દીવો રે પ્રગટાવો-વસંત કામદાર

દીવો રે પ્રગટાવો મારાં નાથ

કેડીને અજવાળો રે…

 

સાવ સૂની શેરીઓમાં

કોઈ મળતું નથી

નિર્જન આ પંથે કોઈ

નીકળતું નથી

એકલતાને ખાળો રે…

 

આંખો મારી બુઝાઈને

જાગે અંધારું થયું

આતમ કેરો દીવો લઈને

મારે ચાલવું રહ્યું

તિમિર ઘેરા ખાળો રે…

 

( વસંત કામદાર )

 

એમને ના સમજાવો સાહેબ-તુષાર શુક્લ

એમને ના સમજાવો સાહેબ

દંડો હવે લગાવો સાહેબ

લોકડાઉનથી નહીં જ ચાલે

કરફ્યુ હવે લગાવો, સાહેબ

 

તેજી હોય તો હોય ઇશારો

ડફણા હવે લગાવો, સાહેબ

ભંગ કરે જે કરફ્યુ કેરો

કોણી વડે ચલાવો, સાહેબ

 

કાયદા કેરો અમલ તમે હવે

કડક થઇને  કરાવો, સાહેબ

આડેધડ થાતા આ ફોરવર્ડ

સંદેશા અટકાવો, સાહેબ

 

જાણે ઉત્સવ હોય આંગણે

એમ લૂંટતા લ્હાવો, સાહેબ

ફરે રખડતા રસ્તે, કરતા

હીરોગીરીનો દાવો, સાહેબ

 

માસ્ક તો આડો આવે એમને

થૂંકવા જોઇએ માવો, સાહેબ

ત્રણેય નવરા નખ્ખોદ વાળે

હું ,મંગળદાસ ,બાવો, સાહેબ

 

ગંભીરતા ના લાગે જેમને

ગંભીર તમે બનાવો, સાહેબ

જરુર છે હવે કરિયાતાની

ના ચા, કોફી, કાવો, સાહેબ

 

કડવા ડોઝને નાક દબાવી

એમને પડશે પાવો, સાહેબ

મોંઘો પડશે આ કિસ્સામાં

પાછળથી પસ્તાવો, સાહેબ

 

આદ્યશક્તિ તો રક્ષા કરશે

ગરબો ઘરમાં ગાવો, સાહેબ

 

( તુષાર શુક્લ )

આંખો મીંચીને-વસંત કામદાર

આંખો મીંચીને ભરી લીધાં છે શમણાં

ફૂલડાં ખીલ્યાં અને

ઝાકળ ઝીલ્યાં ને પછી

સૃષ્ટિનાં સૌંદર્ય નમણા રે નમણા…

 

મનડાંની મેડીથી નીરખી નજાકતને

છલકી ઉઠી મારી આંખ

હૈયામાં પ્રગટી ગઈ આભા અનેરીને

ફફડી વિહંગ તણી પાંખ

પંખી ઊડ્યાં અને

આકાશ આંબ્યા પછી

અંકાઈ પગલાંથી ભ્રમણા રે ભ્રમણા…

 

તારો ઉલ્લેખ છે ને તારી છે વાત અને

તારાં જ તૃણ અને તારાં જ વૃક્ષો ને

તારાં જ વૃક્ષોનાં પાન

આકાશ તારું અને

ધરતીએ તારી પછી

ઈશ્વર છે તારાં આ ઝરણાં રે ઝરણાં…

 

( વસંત કામદાર )

ચારે કોર ગઢ હો-શૈલેશ ટેવાણી

ચારે કોર ગઢ હો ને ગઢની બ્હાર હોઈએ,

દીવાલ પાંચ પાંચ અને આરપાર હોઈએ.

 

પડખું સહજ રીતે ફરો તો ફરાય નહિ આમ,

ને આમ આપણે તો દેહપાર હોઈએ.

 

સઘળે જવાય કિન્તુ પહોંચાય નહિ કશે,

ને આયનાની સામે શું શર્મસાર હોઈએ.

 

મન પણ એ ક્ષણે તો ન આપણું હો મન,

ને મનના આપણે શું ગુનહગાર હોઈએ.

 

આં આપખુદી સ્વર ને આં બૂમ આપણી પણ,

સ્વયં સુધી ન પહોંચે જાણે બધિર હોઈએ.

 

( શૈલેશ ટેવાણી )

હોઈએ-શૈલેશ ટેવાણી

મૌન રાગ હોઈએ વા આગ આગ હોઈએ,

સ્વયંથી અજાણ્યા, શું જળ અતાગ હોઈએ.

 

શર્મસાર હોઈએ ખુદને નિહાળીને,

ને ખુદની સામે પાછા શું બાગ બાગ હોઈએ.

 

કેફ કેવો હોય છે કાબૂ બહારનો,

કે આપણી જ સામે અનેકરાગ હોઈએ.

 

મન પણ બિચારું હોય છે એકલું-અટૂલું,

ને આપણે સ્વયં તો અનંગરાગ હોઈએ.

 

ક્યારેક સાવ જુદા ખુદથીય શું અલગ,

શું શિવ હોઈએ ? શિવ શા વિરાગ હોઈએ ?

 

( શૈલેશ ટેવાણી )

ધુમાડો-રાકેશ હાંસલિયા

ભલે આજ છે આ ચલમનો ધુમાડો,

કડી એ જ બનશે અગમનો ધુમાડો.

 

નથી આયનામાં ચહેરો કળાતો,

નડે છે બધાને અહમનો ધુમાડો.

 

હૃદયમાં, ગલીમાં, નગરમાં, જગતમાં,

સકળમાં ભમે છે ભરમનો ધુમાડો.

 

થશે કેમ ઝાંખી પ્રભુની ભગતને ?

નડે છે નજરને ધરમનો ધુમાડો.

 

નહીં સાથ છોડે ભવોભવ બધાનો,

સદા સંગ રહેશે કરમનો ધુમાડો.

 

હવામાં ભળ્યું છે કશું તો સુગંધી,

હશે ધૂપ જેવો પરમનો ધુમાડો!?

 

કશું સિદ્ધ થાતું નથી અંત લગ પણ,

અહીં સૌ કરે છે જનમનો ધુમાડો.

 

મહેકે છે તેથી જ લોબાન જેવું,

નથી આ ગઝલ કૈ કલમનો ધુમાડો.

 

( રાકેશ હાંસલિયા )

થઈ જઈએ રળિયાત-આંડાલ

આ માગશરનો મહિનો ને આ પૂર્ણચંદ્રની રાત,

ચાલો સખી નાહવાને જઈએ, થઈ જઈએ રળિયાત.

 

ગોકુળની સુંદર કન્યાઓ ગોકુળનો છે મહિમા,

સજીધજીને ચાલો સખી ! પછી જળમાં સરશું ધીમાં.

 

યશોદાની આંખોનો ઓચ્છવ; વનરાજ, નંદનો છોરો,

ઘનશ્યામ દેહ ને કમલનયન એ: નહીં આઘો નહીં ઓરો.

 

ચહેરો જેનો ચંદ્ર સમો ને બધાંયનું સુખધામ,

એ આપણને વરદાન આપશે: સ્તુતિમય સઘળાં કામ.

 

( આંડાલ, અનુ. સુરેશ દલાલ )

લગાવ નથી-બકુલેશ દેસાઈ

લાગણીશીલ છું, લગાવ નથી

એકલા પડયાનો બચાવ નથી.

 

જિંદગીમાં કશીય રાવ નથી

એકે સીધો પડેલ દાવ નથી.

 

બાહુબળ પર મદાર છે મારો,

ભાંગીતૂટીય છો ને નાવ નથી.

 

એકધારો અહીં ઉનાળો કાં ?

ભાગ્યમાં કેમ ધૂપછાંવ નથી ?

 

એકધારી…નીરસ સફર મારી,

સુખનો એકાદ પણ પડાવ નથી.

 

હું જ માલિક છું મારી મરજીનો!

કોઈ પણ તાણ કે તનાવ નથી !

 

ભીંત કેવી છે મોં ન જોવાની !

સ્હેજ અમથીય આવજાવ નથી !

 

( બકુલેશ દેસાઈ )

એ કારણથી-પૂર્વી ભહ્મભટ્ટ

એ કારણથી સંબંધોની હાલત છે બિસ્માર હંમેશાં,

‘હું’થી ‘હું’ની જુઓ કેવી ચાલે છે તકરાર હંમેશાં.

 

મારા માટે સહેલું છે, કે તારા દિલની ઝાળ ઝિલું હું,

દીપકની ગરમીને ઠારે કોણ બીજું ? મલ્હાર હંમેશાં.

 

હદપાર નશો હો તો જ મજા છે પ્રેમ, સુરા કે ભક્તિનો,

ઓછું વધતું તમને સોંપ્યું, હું તો થઈશ ચિક્કાર હંમેશાં.

 

મુઠ્ઠી ઊંચેરાએ એ માનવ, કેવી જાત સમાધિ લીધી,

જેસલ તોરલ નામ સ્મરું ત્યાં ખેંચે છે અંજાર હંમેશાં.

 

તાળી લાગી ગઈને ઝીણો નાદ થયો છે ‘આવો પ્યારા’,

અંદર નકરું અજવાળુંને અંધારા છે બહાર હંમેશાં.

 

( પૂર્વી ભહ્મભટ્ટ )

ભૂલી ગયો છું!-કરસનસદાસ લુહાર

મારું જ નામ ને નકશો ભૂલી ગયો છું!

મારા સુધી જવાનો રસ્તો ભૂલી ગયો છું!

 

છે યાદ કે, હતો હું મોંઘો મનેખ અહિંયા;

પણ કેમ થૈ ગયો હું સસ્તો ભૂલી ગયો છું!

 

છેલ્લે રડ્યો’તો ક્યારે એનું નથી સ્મરણ તો-

ક્યારે મને મેં જોયો હસતો ભૂલી ગયો છું!

 

પથરાળ થઈ ત્વચા કે, તારા પ્રથમ સ્પર્શનો,

લાગ્યો’તો લોહીમાં એ ઝટકો ભૂલી ગયો છું!

 

આથી વધુ સજા શું હોઈ શકે મને કે-

હું મોર છું ને મારો ટહુકો ભૂલી ગયો છું!

 

( કરસનસદાસ લુહાર )