હવે પહેલો વરસાદ…

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!

હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં!

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયા,

સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો ઝળઝળિયાં!

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ; એવું કાંઈ નહીં!

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;

મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં,

આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઈને આવે ઉન્માદ એવું કાંઈ નહીં;

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;

કોઈ ભીની હવાથી શ્વાસ ઘુંટીને સાનભાન ખોતું નથી;

કોઈના પાલવની ઝૂલ, ભીનીભીની થાય ભૂલ, રોમેરોમે સંવાદ એવું કાંઈ નહીં!

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!

( ભગવતીકુમાર શર્મા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *