વરસાદ તે દિવસે…

By heenaparekh  

વરસાદ તે દિવસે ઘણો હતો. તેના માટે મુશળધાર શબ્દ પ્રયોજી શકાય તેવો. મારે ઓફીસ જવાનો સમય થયો હતો અને વરસાદે ત્યારે જ ધોધમાર વરસવાનું શરૂ કર્યું હતું. વરસાદ અટકે તેવી કોઈ શક્યતા નહોતી અને મારે ઓફીસમાં સમયસર પહોંચવાનું હતું. હું છત્રી લઈને ઓફીસે જવા નીકળી. છત્રી મને રક્ષણ આપવા પૂરતી નહોતી. હું ગમે તેટલું સાચવું તોયે ક્યાંક ને ક્યાંકથી તો વરસાદ મને ભીંજવી જ રહ્યો હતો. મેં ચાલવામાં ઝડપ વધારી. ત્યાં મને કોઈનો સાદ સંભળાયો……

ઓ બહેન, જરા ઉભા રહો તો. તમે કયાં સુધી જઈ રહ્યા છો?”

મેં કહ્યું, બેંક સુધી.

મને થોડે સુધી તમારી છત્રીમાં લઈ જશો?” મને બૂમ પાડનાર બહેને પ્રશ્ન કર્યો.

મેં તેમને હા પાડી. હું પહેલાં કરતાં વધારે ભીંજાઈ ગઈ. કારણ કે એક છત્રીમાં બે વ્યક્તિ કોરી રહે એ મુશ્કેલ જ નહીં અશક્ય હતું. પોતાની મંઝિલ આવી જતાં એ બહેન મારા પ્રત્યે આભાર વ્યક્ત કરી મારાથી છૂટા પડ્યા. હું ઘણી ભીંજાઈ હતી. છતાં એક અજાણ્યા પથિક સાથે મારી છત્રી વહેંચવાનો મને આનંદ હતો. આટલા બધા વરસાદમાં કોઈ આ રીતે મારી છત્રીમાં કોઈને ભાગ પડાવતાં જુએ તો મને મુર્ખ જ સમજે. છતાં મને તેમ કરવાનું ગમ્યું. કારણ કે આમ કરવાથી મારા હ્રદયને સંતોષ થતો હતો.

કોઈ બળબળતી બપોરે આપણે આપણા સ્કુટર પર જઈ રહ્યા હોઈએ, સ્કુટરની પાછળની સીટ ખાલી હોય અને રસ્તામાં ધોમધખતા તાપમાં બસની રાહ જોઈને ઉભેલા માણસને જોઈને તેને લીફ્ટ આપવાનું મન થાય છે ખરું?

ધોધમાર વરસાદમાં આપણે ઘરમાં બેઠા બેઠા ગરમ ચાની ચુસ્કીઓ લેતાં હોઈએ ત્યારે વરસાદમાં આશરો મેળવવા આપણા ઘરનાં બારણે આવેલા કોઈ અજાણ્યા રાહીને ઘરમાં બોલાવીને તેને ચા પીવડાવવાનું મન થાય છે ખરું?

કોઈ સ્વજનને મળવા આપણે હોસ્પિટલમાં જઈએ ત્યારે બાજુના પલંગ પર સૂતેલો કોઈ એકલો અટૂલો દર્દી આપણને તેની દવા લાવી આપવા માટે કહે ત્યારે તેને મદદ કરવાનું મન આપણને થાય છે ખરું?

બહુ અગત્યના કામે આપણે ઘરની બહાર નીકળ્યા હોઈએ અને ત્યારે રસ્તામાં વાહનની અડફેટે ઘાયલ થઈને તરફડતા કોઈ પ્રાણીને જોઈને આપણને મોડું થતું હોવા છતાં એક ફોન કરીને તે પ્રાણી વિશે એનિમલ સેવિંગ ગ્રુપને જાણ કરવાનું મન થાય છે ખરું?

ઈષ્ટદેવના દર્શન માટે મંદિરનાં ઉંચા ઉંચા પગથિયા ચડતી વખતે કોઈ વ્રુધ્ધ કે કોઈ અપંગને પગથિયા ચડવામાં તકલીફ અનુભવતાં જોઈને આપણને તેનો હાથ પકડીને પગથિયા ચડાવવાનું મન થાય છે ખરું?

આપણા જન્મદિવસે મિત્રો-સ્વજનો માટે રાખેલી પાર્ટી માટે બજારમાંથી કેક લઈને આવતાં હોઈએ ત્યારે રસ્તામાં કોઈ ઝૂંપડપટ્ટી આવે તો તે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોમાં કેક વહેચવાનું મન થાય છે ખરું?

ટ્રેનની અસહ્ય ભીડમાં માંડ માંડ બેસવાની જગ્યા મળી હોય ને આગલા સ્ટેશન પર કોઈ સ્ત્રી નાનું બાળક લઈને ચડે તો તેને પોતાની જગ્યા આપી દેવાનું મન થાય છે ખરું?

……..આવી નાની નાની ઘણી ઘટનાઓ છે જે આપણે કરી શકીએ છીએ પણ મોટેભાગે આપણે તેવું કરતાં નથી. દરેક વખતે આપણી પાસે એક જ જવાબ હોય છે-મને સમય નથી….I have no time”. જિંદગીને જીવી લેવાની ઉતાવળમાં સવારથી ઉઠીને રાત્રે પથારી ભેગાં થઈએ ત્યાં સુધી આપણે આમતેમ દોડતાં જ રહીએ છીએ. અને તેમાં જ થાકી જઈએ છીએ. કારણ કે જિંદગીને જીવી નાંખવાની ઉતાવળમાં આપણે જિંદગીને માણવાનું ભૂલી ગયા છીએ. હું કંઈક મેળવીશ તો સુખી થઈશ-એવી ભ્રામક માન્યતા આપણા મનમાં દ્રઢ કરી ગઈ છે. તેથી કંઈકને કંઈક પ્રાપ્ત કરતા રહેવાની લાલસામાં કેવી રીતે જીવવું તે જ ભૂલી ગયા છીએ.

ગમે તે કિંમતે, ગમે તે ભોગે આપણે આપણી ઈચ્છા મુજબનું મેળવી તો લઈએ છીએ પણ તેનાથી સુખ પ્રાપ્ત થતું નથી. તેથી સુખ કંઈ બીજામાં હશે તેમ માનીને ફરી તે મેળવવા મંડી પડીએ છીએ. આ ચક્ર અવિરત આલ્યા જ કરે છે. પણ આપણા હ્રદયને આનંદ મળતો નથી, સંતોષ અનુભવાતો નથી, જીવનમાં ક્યાંય પ્રસન્નતા નથી.

મોટા મોટા લક્ષ્યાંકો સિધ્ધ કરવામાં આપણે લગભગ લાગણીહીન, નિષ્ઠુર, અમાનુષ બની ગયા છીએ. કેટલીયે નાની નાની વાતો એવી છે જે આપણને આનંદ આપવા માટે સક્ષમ છે પરંતુ તેના તરફ કદી આપણું ધ્યાન જતું જ નથી. આવા સમયે જીવનની ગતિ થોડી ધીમી કરીને આપણી આજુબાજુ ઘટતી નાની નાની બાબતોને બારીકાઈથી જોવાની, તેને સમજવાની અને તેને માણવાની જરૂર છે. જો આપણે એક-બે કદમ પણ સાચી દિશામાં ચાલવા પ્રયત્ન કરીશું તો એવી ઘણી ક્ષણો મળી આવશે જે આપણને પૂર્ણ આનંદથી ભેટી પડવા તૈયાર હશે. આનંદ કે સુખ વિશાળ પ્રમાણમાં ક્યારેય કોઈને મળતું નથી. તે નાની નાની ઘટનાઓ દ્વારા જ મેળવીને એકત્રિત કરવાનું હોય છે. અને તે મેળવ્યા પછી તેને અન્યમાં વહેંચવાનું હોય છે. સુખ, આનંદ, પ્રસન્નતા, હાસ્ય વહેંચવાથી ઘટતું નથી-અનેકગણું વધે છે.

કવયિત્રી Emily Dickinson નું એક કાવ્ય મને બહુ પ્રિય છે…

If I can stop one heart from breaking,

I shall not live in vain,

If I can ease one life from aching,

Or cool one fainting robin

Unto his nest again,

I shall not live in vain.

જો હું કોઈના હ્રદયને ભાંગી પડતું અટકાવી શકું,

તો મારું જીવન નિરર્થક નહીં જાય.

જો હું કોઈ માણસની પીડાનું શમન કરી શકું,

એકાદ જખ્મને રુઝવી શકું..

અથવા ઠંડીથી મૂર્છીત થયેલા રોબિન પંખીને

તેના માળામાં પાછું મૂકી શકું

તો મારું જીવન નિરર્થક નહીં જાય.

હિના પારેખ મનમૌજી

જૂન ૭, ૨૦૦૩.

Copyright©HeenaParekh

Share

5 Comments

  1. devikadhruva
    Posted July 1, 2008 at 2:24 pm | Permalink | Reply

    ખુબ ઉંચી વાત…..સરળ અને સૌમ્ય રીતે….ગમી ગઇ….
    વાત અને શૈલી બંને…

  2. Posted July 2, 2008 at 3:57 am | Permalink | Reply

    સુંદર વાત… પણ એક વાત જોઈ છે… આ લીફ્ટ આપવાની કે માંગવાની રીત તો આપણા મલકમાં જ છે અહી ઓસ્ટ્રેલીયામાં તો કોઈ લીફ્ટ માંગે નહી ને કોઈ લીફ્ટ આપે નહી…! ;)

    આપના બ્લોગ પર પ્રથમવાર આવ્યો છુ… ખુબ ખુબ અભિનંદન…

    રાજીવ

  3. Posted July 2, 2008 at 7:52 am | Permalink | Reply

    સરસ વાત સરળ શબ્દોમાં

  4. Posted July 2, 2008 at 11:21 am | Permalink | Reply

    તમારો વિચાર અને રજૂઆત બંને સુંદર છે. કવિતાએ તેમાં ચાર ચાંદ લગાવી દીધા. બર્થા વોન સટ્ટનરે કહ્યું છે, દુનિયામાં “પ્રેમ કરવો” ક્રિયાપદ પછીનું સૌથી વધુ સુંદર ક્રિયાપદ છે “મદદ કરવી”.

  5. Posted March 2, 2009 at 7:21 pm | Permalink | Reply

    હિનાજી

    વાદો કર્યા મુજબ આજે તમારા બ્લોગ પર આવી ચડ્યો અને શરૂઆત કરી ગદ્ય થી, પહેલી પોસ્ટમાં જ મજા આવી ગઈ , તેરા તુજકો અર્પણની જેમ કહું તો ખરેખર બ્લોગ હટકે છે , તમારૂં ગદ્ય તેમજ સંવેદના પ્રત્યેનો લાજવાબ અભિગમ થી મજા આવી ગઈ. છે

    હું જ્યારે કંઇ વાંચુ ત્યારે જે તે કૃતિના વર્ણન કે પંચ લાઇનથી ઇમ્પ્રેસ થાવ છું, એવી જ રીતે અહિં તમે લખ્યુ છે કે – “એક છત્રીમાં બે વ્યક્તિ કોરી રહે એ મુશ્કેલ જ નહીં અશક્ય હતું.” – એ ગમ્યુ.

    આજે કદાચ બીજી પોસ્ટ તરફ ન પણ વળી શકું પરંતુ ઇસ મોડ પે ફીર મીંલેંગે યે તો પક્કા હી હૈ.

    ઑલ ધી બેસ્ટ.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME