કેમ રહેવાય કહો છાનાં?

ભીતરના તાર સ્વયં રણઝણતા થાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

ગુંજન ના હોય અને સૂરો સંભળાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

દુ:ખમાંયે મુરઝાવા દીધી ના લીલપ

કે, ચહેરાઓ સ્મિત વડે દોર્યા,

જલી જલી મેળવી છે જાહોજલાલી અને

પાનખરોમાંય સદા મ્હોર્યા !

ભડભડતા દરિયા તરી નૌકા હરખાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

લાગણીઓ લોહી મહીં ઘૂંટી ઘૂંટીને પછી,

ઉરના ઓરસિયે લસોટી,

કેમ રે કેવાય બધી અંદરુની વાત

થાય શબ્દોની કારમી કસોટી,

આંખોમાં નવી એક આશા છલકાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

ભેદી બિહામણા સાચના તે રૂપ અમે

પેસી પાતાળ લીધાં શોધી,

કીધાં ન કોઈ દિ જે દોષ કિનખાબી અમે

થઈ બહુરૂપી લીધા ઓઢી !

બિડેલાં લોચનોથી સઘળું દેખાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

(આનંદ મુનિચંદ્રજી )

5 thoughts on “કેમ રહેવાય કહો છાનાં?

  1. લાગણીઓ લોહી મહીં ઘૂંટી ઘૂંટીને પછી,

    ઉરના ઓરસિયે લસોટી,

    કેમ રે કે’વાય બધી અંદરુની વાત

    થાય શબ્દોની કારમી કસોટી,

    ખુબ જ,ખુબ જ સુંદર…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *