http://heenaparekh.com/2008/08/29/kashu-na-bolu/
હું તો કાંઈ કશું ના બોલું,
બસ વાલમનાં વેણ ફરી વાગોળું!
એને તો કહેતા આવડે છે
આખુંયે આકાશ ભરીને વાતો;
વાત મરમની તો દૂર રહી
મને શબ્દ એકેય ના સમજાતો.
તોયે એની વાતે વાતે
હોકારું દેતું દિલ કેવું ભોળું!
ખીલે તેને કહેજો ફૂલ તમે
અમે કહીશું વાલમનો ચહેરો;
વાલમ તો છે એક લ્હેર હવાની
એને કેમ કરીને ઘેરો?
હોય ભલેને આંખો સામે
તોયે એને શમણામાં હું ખોળું!
હું તો કાંઈ કશું ના બોલું,
બસ વાલમનાં વેણ ફરી વાગોળું!
( સુધીર પટેલ )


