ટહુકો

પાનખરમાં ટહુકો

પાંદડાની જેમ ખરતો નથી

પણ વૃક્ષને અદ્રશ્ય વસંત માટે

તૈયાર કરતો હોય છે.

ક્ષિતિજને પાર ધરતીનો ઉમળકો પહોંચાડી

અજાણ્યા ગ્રહોને પૃથ્વી બનવા

લલચાવે છે.

મૂળથી ડાળ સુધી સુવાસની

આભથી જમીન સુધી હળવાશની

મનથી માટી લગી લીલપની

એ ટહેલ નાખે છે.

અને

ઊગેલી કળીમાં ફૂલને

ગર્ભમાં રહેલા બાળકને

ન વરસતાં વાદળનાં ફોરાંઓને

આવકારે છે.

પાંદડે પાંદડે પડઘાઈ પડઘાઈ

ઉગાડવા મથે છે ઉમળકાનું વન.

અને ટહુક્યા વગર ટહુકે છે.

બધું સુકાઈ જાય ત્યારે

સ્મૃતિમાં ધરબાયેલા માના અવાજની જેમ

ટહુકો વરસે છે

અનરાધાર.


( રાજેન્દ્ર પટેલ )

2 thoughts on “ટહુકો

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.