વૃક્ષ છું

landscape_00291

મૂળથી તો હું ખરેખર શાંત ને સહુ વાતથી સંતુષ્ટ છું હું વૃક્ષ છું

ને પવન તડકો અને વરસાદ પીને કેફમાં હું મસ્ત છું હું વૃક્ષ છું

લાડકું છું હું વસંતોનું મને શણગારવા હર સાલ એ આવે અને

પાનખરમાં એક નાના બાળ જેવું સાવ હું નિર્વસ્ત્ર છું હું વૃક્ષ છું

હું બની ધબકાર ધરતીનો ઝીલું છું સ્પંદનો હર ડાળ ને હર પાનમાં

તો વળી માળે સૂતેલા પંખીને હીંચોળવામાં વ્યસ્ત છું હું વૃક્ષ છું

હું પ્રવાસીનો વિસામો બાળકોની આંબલી પીપળી રમતની હું જગા

કોઈ આવી સાવ લીલી ડાળ કાપી જાય તોયે સ્વસ્થ છું હું વૃક્ષ છું

કોક દી તારા તું તડકા છાંયડા ભૂલીને મારી પાસ આવી જોઈ લે

તો ખબર પડશે તથાગત જેમ હું હર હાલમાં સ્થિતપ્રજ્ઞ છું હું વૃક્ષ છું

( મધુમતી મહેતા )

3 thoughts on “વૃક્ષ છું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *