પરવાનગી

જ્યારે તું મારી સાથે હતો

ત્યારે ફૂલ ખીલતાં પહેલા મને પૂછતું

હું ખીલું કે નહીં?

પડતાં પહેલા વરસાદ મને પૂછતો

હું વરસું કે નહીં?

ઊગતા પહેલા ચંદ્ર પણ મારી પરવાનગી માંગતો

જ્યારે તું મારી સાથે હતો.

પવન જેવો પવન પણ ગતિ કરતાં પહેલાં

પોતાનાં પગરખાં ઉતારતો

ફૂલોની સુવાસ પણ જ્યારે મારી પાસેથી

પસાર થતી ત્યારે મૂંઝવણ અનુભવતી:

વસંત જ્યારે એનાં ચરણ પહાડ પર મૂકતી

તો કૈંક ભય હતો કૈંક સંતોષ હતો

જ્યારે તું મારી સાથે હતો.

તારા ગયા પછી બધું જ બદલાઈ ગયું

દિવસ અને રાતની સેળભેળ થઈ ગઈ.

કેટલાય દિવસો પછી આજ અહીં બેસવા આવી છું.

આ એજ ખંડ છે, આછો અમથો બંધ.

એની હવામાંથી હું તારો શ્વાસ વીણી લઉં છું

એને મારા શરીરે ચોળું છું.

ફરી પાછી ઉત્સાહિત થાઉં છું અને નવીનક્કોર બનું છું,

સૌરભસભર પવન હવે ફરીથી વાય છે

ચંદ્ર ક્યાંક વાદળોમાં ખોવાઈ ગયો છે.

( પદમા સચદેવ, અનુ. રોહિત શાહ )

7 thoughts on “પરવાનગી

  1. ભાવ અમૂલ્ય છે.અભાવ અતીવ અમૂલ્ય રીતે વ્યક્ત થયો છે.અભિવ્યક્તિના અમૂલ્ય સ્તરનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડે છે આ સ્વ સાથેનો સંવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *