ઈચ્છાનું ટૂંપી ટૂંપી ગળું જીવવું પડ્યું;
તેથી જ એમ લાગ્યું: ઘણું જીવવું પડ્યું!
કોઈ જ ક્યાં બહાનું હતું? જીવવું પડ્યું;
વળગ્યું’તું શ્વાસ જેવું કશું, જીવવું પડ્યું!
સ્વપ્નો નિહાળવાની પ્રથા આથમી ગઈ;
આંખે ખટકતું રાખી કણું જીવવું પડ્યું.
એકાદ-બે પળો જ મળી જીવવા સમી;
બાકી તો વ્યર્થ લાખ ગણું જીવવું પડ્યું.
પથ્થર ગણો કે ફૂલ, છતાં બોજ તો હતો;
કાંધે ઉપાડી ખુદનું મડું જીવવું પડ્યું.
અગ્નિ ચિતાનો એને વધુ શું દઝાડશે?
આમેય જીવવું’તું બળ્યું; જીવવું પડ્યું!
( ભગવતીકુમાર શર્મા )