નજર કરું ત્યાં નારાયણ

By heenaparekh  

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ,

પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી,

દીવો પ્રગટ્યો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવરખરી,

જ્યાં જ્યાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી,

મેં તો વાવી જાર, પાક્યાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી,

પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી,

ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી,

પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!

( પુષ્પા વ્યાસ )

Share

3 Comments

  1. Posted December 28, 2008 at 5:55 pm | Permalink | Reply

    Ultimate.
    Good attempt.

  2. Posted December 28, 2008 at 8:25 pm | Permalink | Reply

    vaah
    saras vaat pushpabene kari
    me te maari web upar
    fari thi lakhi
    http://www.vijayshah.gujaratisahityasarita.org

  3. Posted December 30, 2008 at 12:35 am | Permalink | Reply

    સુંદર અને મૌલિક … અભિનંદન.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME