http://heenaparekh.com/2009/01/02/raj-kidhu-nathi/
અમે ખાધું પીધું ને રાજ કીધું નથી,
અમે કરવા જેવું કાંઈ કીધું નથી,
તોય અમે આનંદ આનંદથી જીવ્યા
આનંદથી જઈએ છીએ.
અમે પંખીનાં ગીતો સાંભળ્યા હતાં,
અમે ફૂલોને વહાલથી પંપાળ્યા હતાં,
અમે આંખોના દીવાને બાળ્યા હતાં,
અહીં પામ્યા ગુમાવ્યાની વાતો નથી,
હતો નાતો ઘણો ને કોઈ નાતો નથી,
ઝેર પીધું નથી: અમરત પીધું નથી,
અમે ખાધું પીધું ને રાજ કીધું નથી.
અમે જાગ્યા સવારે ને સૂતા રાતે,
અમે સાંજને સમે કદી વળગ્યા વાતે,
અમે સળગ્યા છીએ તો સળગ્યા જાતે,
અમે મોટા નથી કે અમે નાના નથી,
અમે ખુલ્લી કિતાબ અમે છાના નથી,
કૈં લીધું નથી ને કૈં દીધું નથી,
અમે ખાધું પીધું ને રાજ કીધું નથી.
( પન્ના નાયક )


