ત્રીજો પડાવ(Continue-2)

જાન્યુઆરી ૮, ૨૦૦૯

સવારે ૮ વાગ્યે Dolphin Chase માટે જવાનું હતું. તે પહેલા બ્રેકફાસ્ટ પતાવી અમે સૌ રીસેપ્શન કાઉન્ટર પાસે ભેગા થયા. જે કિનારા પરથી બોટમાં બેસવાનું હતું તે રીસોર્ટથી એક કિલોમીટર દૂર હતો. અમને પગપાળા લઈ જવામાં આવ્યા. કિનારે અમારા માટે બોટ તૈયાર હતી. સૌ બોટમાં બેસીને ડોલ્ફીનને જોવા માટે નીકળ્યા. બોટ દરિયામાં આગળ વધતી રહી પણ ડોલ્ફીન ક્યાંય દેખાતી ન્હોતી. બોટવાળો બોટને દરિયામાં ઘણે આગળ સુધી લઈ ગયો. ત્યાં અચાનક એક ડોલ્ફીન નજરે ચઢી. બોટને ત્યાં જ અટકાવી દીધી જેથી બોટના અવાજથી ડોલ્ફીન બહુ દૂર નીકળી ના જાય. ત્યાં ઘણી ડોલ્ફીન હતી. પણ તરવામાં એકદમ ચપળ. પાણીમાં ક્યારે ક્યાં નીકળે તે ખબર ના પડે. નજર તેજ રાખીને જોવું પડે તો જ એના દર્શન થાય. ફોટોગ્રાફસ લેવા માટે બધા એ ખૂબ પ્રયત્નો કર્યા પણ તે શક્ય ન બન્યું. કેમેરાનું બટન દબાવો ત્યાં તો ડોલ્ફીનરાણી પાણીમાં ગરક થઈ જાય. જો કે આંખોના કેમેરામાં કેદ થઈ એટલે ફોટોગ્રાફ્સ ન લઈ શકાયાનો કોઈ અફસોસ ન્હોતો. અમારી બોટ ૧૦.૦૦ વાગ્યે કિનારા પર પાછી વળી. અને અમે રીસોર્ટ પહોંચ્યા. બપોરના ભોજન સુધી બીજો કોઈ પ્રોગ્રામ ન હતો. મારે ક્યાંય પણ જવાનું થાય તો મારી સાથે મારા હંમેશના સાથી પુસ્તકો હોય જ છે. રૂમ પર જઈને મેં પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. ( પુસ્તક અંગેની માહિતી મને ગમતું પુસ્તક વિભાગમાં આપીશ)

સવારે રીસોર્ટના એક સ્ટાફ મેમ્બરને અમે કાજુ ક્યાં મળશે તે વિશે પૂછ્યું હતું. અમારે મુખ્ય ખરીદી કાજુની જ કરવાની હતી. એણે અમને કહ્યું કે કાજુ લેવા હોય તો મડગાંવ જવું પડે. સૌથી મોટી સાઈઝના કાજુનો ભાવ ૪૮૦/- રૂ. કિલો કહ્યું. એ ઘણાં વિદેશી પર્યટકોને મડગાંવથી કાજુ લાવી આપતો હતો. આવવા જવાનો ખર્ચ ૧૫૦/- રૂ. એને અલગથી આપવા પડતો હતો.

આમ તો અમને બીજા દિવસે પણજી લઈ જવાના હતા. પણ ત્યાં કદાચ ખરીદી કરવાનો સમય મળે કે ના પણ મળે. એટલે મેં અને મામીએ મડગાંવ જઈને કાજુ ખરીદવાનું નક્કી કર્યું. બપોરે ૧.૦૦ થી ૪.૦૦ વાગ્યા દરમ્યાન મડગાંવનું બજાર બંધ રહેતું હતું. રીસોર્ટવાળા ક્યાંય પણ જવા માટે વાહનની સગવડ કરી આપતા હતા. પણ તે ઘણું મોંઘુ હતું. હું અને મામી ૩.૩૦ વાગ્યે રીસોર્ટની બહાર નીકળ્યા. થોડીવાર ઉભા રહ્યા ત્યાં લોકલ બસ આવી અને અમે તેમાં બેસી ગયા. બસમાં કન્ડક્ટર ન્હોતો. જે પેસેન્જર ઉતરે તે ડ્રાઈવરને પૈસા આપીને ઉતરે. થોડા સ્ટોપ ગયા પછી કન્ડક્ટર બસમાં ચઢયો. બસમાં ટીકીટ આપવાની પ્રથા ન્હોતી. અને બસમાં ઘંટડી પણ ન્હોતી. બસને અટકાવવા કે ચલાવવા કન્ડકટર સીસોટી જેવો અવાજ કાઢતો હતો. જે ઘણું રમુજી હતું. અમે બે ટીકીટના ૨૦ રૂ. આપ્યા. મડગાંવના માર્કેટ બસ સ્ટોપ પર અમે ઉતર્યા. અને પાછા વળતી વખતે બસ કઈ જગ્યાએથી મળશે તે કન્ડક્ટરને પૂછી લીધું.

જે વિસ્તારમાં ઉતર્યા તે વિસ્તારમાં કાજુની કોઈ દુકાન નજરે ન ચઢી. ચાલતા ચાલતા આગળ વધ્યા. એક ગલીમાં થોડી દુકાનો દેખાતી હતી એટલે તે તરફ વળ્યા. પણ ત્યાં મોટેભાગની દુકાનો કાપડની હતી. ફૂટપાથ પર એક બહેન ઉભા હતા તેને અમે પૂછ્યું તો એણે અમને એક માર્કેટ બતાવી. જેમાં શાકભાજી, ફળો, અનાજ-કરીયાણું વગેરે બધું જ મળતું હતું. માર્કેટના ચાર દરવાજા હતા અને અંદર સાંકડી સાંકડી ગલીઓમાં અસંખ્ય દુકાનો હતી. પહેલા થોડીવાર તો અમે માર્કેટમાં ફર્યા. પણ ગલીઓ ભૂલભૂલામણી ભરેલી હતી. જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં જ પાછા આવી જતા.

સૌથી પહેલા જે દુકાને ગયા તે દુકાનદારે અમને સારી માહિતી આપી. એણે કહ્યું કે અહીં ગોવા સિવાયના અન્ય પ્રદેશોના પણ કાજુ મળે છે. એટલે બીજા પ્રદેશના કાજુ લઈને છેતરાઈ ના જતા. અમે વધારે કાજુ ખરીદવાના હતા એટલે એણે અમને ભાવ વ્યાજબી કરી આપવા કહ્યું. પણ એની પાસે તરત કાજુ ન લઈ લેતાં અમે માર્કેટની બીજી દુકાનોની મુલાકાત લીધી. એ ભાઈની વાત સાચી હતી. ત્યાં મહારાષ્ટ્રના કાજુ પણ મળતા હતા. ઘણી દુકાનોમાં કાજુ જોયા અને ભાવ પૂછ્યા પણ કંઈ મેળ ન પડ્યો. પહેલા જે દુકાને ગયા હતા ત્યાંજ ફરીવાર ગયા. મામીએ સૌથી મોટી સાઈઝના કાજુ લીધા જે ૩૫૦/- રૂ. કિલો મળ્યા. અને મેં રેગ્યુલર સાઈઝના કાજુ લીધા જે મને ૩૦૦/- રૂ. કિલો મળ્યા. કાજુ લઈ કામત હોટલ પાસેથી Dona Sylvia જવા માટે બસ પકડી.

અમે Dona Sylvia હોંચ્યા ત્યારે અમારા પરિવારજનો દરિયાકિનારે જવા માટે નીકળતા જ હતા. અમે પણ તેમની સાથે જોડાયા.

Share this

4 replies on “ત્રીજો પડાવ(Continue-2)”

  1. ok very good pravas note, in the past i was also visit the goa( Before 20 year , its very nice place for go for walk , lots of beatches there

    regards

  2. ok very good pravas note, in the past i was also visit the goa( Before 20 year , its very nice place for go for walk , lots of beatches there

    regards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.