Indigoની બે ફ્લાઈટ સાથે થઈ ગઈ હતી એટલે અમારો સામાન આવતાં થોડી વાર લાગી. બધી બેગ આવી ગઈ પછી અમે એરપોર્ટની બહાર નીકળ્યા. અમારે મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન જવાનું હતું. એરપોર્ટની બહાર ઘણાં બધાં ટેક્ષીવાળા અમને ઘેરી વળ્યા. મામાએ એક હિન્દીભાષી ભાઈ સાથે ટેક્ષીનું નક્કી કર્યું. એ તરત એની બે ટેક્ષી લઈ આવ્યો. અને અમે મુંબઈ સેન્ટ્રલ જવા નીકળ્યા. રેલ્વે સ્ટેશન પહોંચીને પહેલા કંઈક ખાવાનું વિચાર્યું. અમે ગોવાથી જમીને ન્હોતા નીકળ્યા અને પ્લેનમાં પણ કંઈ આપ્યું ન્હોતું. ખાવા માટે કંઈ શોધવાની જરૂર ન પડી. સ્ટેશન પર McDonalds જોઈને મારા બન્ને કઝિન ખુશ થઈ ગયા.

McDonalds on Mumbai Central
થોડો નાસ્તો કરીને પ્લેટફોર્મ પર “ફ્લાઈંગ રાણી”ની રાહ જોઈને ઉભા રહ્યા. થોડીવારમાં જ ટ્રેન આવી.

Mumbai Central
૧ અને ૨ નંબરની સીટ મારા મમ્મી-પપ્પાની હતી. મેં તેમને બેસાડ્યા અને સામાન ગોઠવ્યો. 3 નંબરની સીટ બીજા કોઈની હતી અને બારી પાસેની ૪ નંબરની સીટ મારી હતી. પણ ૩ અને ૪ નંબરની સીટ પર વૃધ્ધ કાકા-કાકી બેઠા હતા. મેં તેમને મારી સીટ વિશે પૂછ્યું તો તેમણે મને તેમની ૬ નંબરની સીટ પર બેસવા કહ્યું. તે સીટ પણ બારી પાસે જ હતી તેથી હું ૬ નંબરની સીટ પર બેસી ગઈ. ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ઉપડી. મેં હેડફોન લગાવી ગીત સાંભળતા સાંભળતા પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. ક્યારે બોરીવલી આવ્યું તે ખબર ન પડી. ત્યાંથી ઘણાં મુસાફરો ટ્રેનમાં ચઢ્યા. મારી બાજુની સીટ પર પણ કોઈ આવ્યું. મેં જોયું તો ટીવી અને તખ્તાના જાણીતા કલાકાર “અલીરઝા નામદાર”. હું તેમને તરત ઓળખી ગઈ. કારણ કે આ પહેલા કલકત્તામાં પણ મેં તેમને જોયા હતા. અને રોજ ટી.વી. સિરિયલોમાં તો જોતી જ હતી. તેઓ વાપીમાં “અમે મસ્તીના મતવાલા” નાટક કરવા માટે જતા હતી. અમે ઘણી વાતો કરી. કમ્પાર્ટમેન્ટમાં ઘણાંએ તેમને ઓળખી લીધા હતા. હાલ સ્ટાર પ્લસ પર આવતી “બિદાઈ” સિરિયલમાં પણ તેઓ અભિનય કરી રહ્યા છે. વાપી સુધી એક ઉમદા કલાકાર સાથે વાત કરવાનો મને મોકો મળ્યો.

with Aliraza Namdar
ઉપસંહાર:
મેં મારા મોટેભાગના પ્રવાસો વલસાડના દુર્ગેશ ટુરિસ્ટમાં કર્યા છે. એના સ્થાપક શ્રી અનિલભાઈ પારેખ વ્યવસાયે શિક્ષક હતા. હાલ તો નિવૃત્ત છે અને પ્રવાસનું આયોજન કરવામાં જ પ્રવૃત્ત છે. અનિલભાઈ એવું વિચારે કે દરેક વ્યક્તિ કંઈ વારંવાર આ સ્થળોએ આવી નહીં શકે. એટલે એમનો મુખ્ય ભાર સ્થળો બતાવવામાં વધારે હોય. રસ્તામાં પણ કંઈ અગત્યનું સ્થળ આવે તો બસ ઉભી રાખીને તે સ્થળ બતાવી દે. કંઈ પણ અગત્યનું જોવાનું ચૂકી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખે. દરેક જગ્યાએ હોટલ પણ મુખ્ય વિસ્તારની નજીક જ હોય. એટલે જ્યારે ફ્રી થાવ ત્યારે જાતે પણ તમે ફરી શકો. હું આ રીતે ફરવા ટેવાયેલી.
આ વખતે થોડો જુદો અનુભવ હતો. આ અગાઉ અમદાવાદની નવભારત ટુર્સમાં કેરાલા જવાનું થયેલું ત્યારે પણ લગભગ આવો જ અનુભવ થયો હતો. રીસોર્ટ મતલબ સંપૂર્ણ આરામ અને સારું સારું ખાવાનું. પણ ફરવાના કે સ્થળો બતાવવાના નામે મીંડુ. રીસોર્ટની પોતાની દુનિયા હોય. ત્યાં તમારો સમય પસાર કરવા માટે ઘણીબધી પ્રવૃત્તિ હોય. જો તમને તેમાં રસ પડે તો.
અમે ગોવા ગયા પણ ખાસ કંઈ જ જોઈ શક્યા નહીં. કારણ કે રીસોર્ટ એવી જગ્યાએ હતું કે ત્યાંથી જાતે ક્યાંય પણ જવાનું શક્ય ન્હોતું. અમે રીસોર્ટમાં બરાબર આરામ જ કર્યો. ક્યારેક આરામ પણ જરૂરી હોય છે. બાકી એકદમ ફરવાનો મૂડ હોય કે વધારે સ્થળો જોવાની ઈચ્છા હોય તો રીસોર્ટમાં ન જવું. અને જેને સખત આરામની આવશ્યકતા હોય તેણે તો રીસોર્ટમાં જ જવું.
Really Gr8 journey !!
Wonderful description of the journey.
It is nice to read., thank you.
Keep it up and whenever you put something new here please let me know
Hello Heenaben
Thanks for yr exprience about yr trip, it’s very interesting. Send more anytime. Regards
Kanhen
તમારી સાથે કલમના માધ્યમથી આ સુંદર પ્રવાસ કરાવવા બદલ ધન્યવાદ. વાંચતા જરાય કંટાળો ન આવે એવી ખુબ રસપ્રદ રીતે બધી માહિતી આપી છે. અભિનંદન. આવા વધારે પ્રવાસો કરતા રહેજો અને કલમથી અમને પણ એમાં સહભાગી બનાવતા રહેજો.