તમારી જેમ

રસ્તો કરી શક્યો નહીં હું તો તમારી જેમ

પાછો ફરી શક્યો નહીં હું તો તમારી જેમ

ખાલી જગા કે ખાલીપો જીવનમાં કે ઘરમાં

બિલકુલ ભરી શક્યો નહીં હું તો તમારી જેમ

નક્કી હતું નખશિખ ડૂબવાનું પ્રથમથી

તેથી તરી શક્યો નહીં હું તો તમારી જેમ

મારી જરૂરિયાત પ્રથમ તે પછી જ હું-

સાબિત કરી શક્યો નહીં હું તો તમારી જેમ

મારો વિકાસ ફૂલના જેવો સુગંધીદાર

છો વિસ્તરી શક્યો નહીં હું તો તમારી જેમ

એક જ જગાએ બેસીને કરતો રહ્યો છું તપ

હા, સંચરી શક્યો નહીં હું તો તમારી જેમ

મારેય પહોંચવું તો હતું તે જગા સુધી-

પણ કરગરી શક્યો નહીં હું તો તમારી જેમ

મૌલિકતા મારા શબ્દની પરખાઈ ગઈ તરત

બસ છેતરી શક્યો નહીં હું તો તમારી જેમ!

( રિષભ મહેતા )

3 thoughts on “તમારી જેમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *