સ્વરૂપે અવસ્થાનમ્

દશે દિશાઓ સ્વયમ આસપાસ ચાલે છે

શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે

કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે?

અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે

કોઈનું આવવું, નહીં આવવું, જવું, ન જવું

અમસ્તો આંખમાં ઉઘાડ-વાસ ચાલે છે

દશે દિશામાં સતત એકસામટી જ સફર!

અને હું એ ય ન જાણું…કે શ્વાસ ચાલે છે

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!

હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

( જવાહર બક્ષી )

4 thoughts on “સ્વરૂપે અવસ્થાનમ્

  1. હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે

    જ્યારે માનવને પોતાના સ્વરૂપની અનુભુતી થાય ત્યારે કશોક આવો જ અનુભવ થતો હશે કે સર્વ કાંઈ તેનામાં રમી રહ્યું છે. પોતે તો સાવ સ્થીર છે અને વળી એટલો તો વ્યાપક કે જગતની આ બધી યે હલચલ જાણે કે તેની અંદર રમાતો એક રાસ હોય.

  2. વાહ, ફના સાહેબ, વાહ!
    તમારો કાવ્યપ્રવાસ ચાલતો રહે અને અમને આવા મજાના ઉતારાઓની ઝલક મળતી રહે!

  3. તદા દ્રુશ્ટાસ્વરુપેવસ્થાનમ,વૃત્તિસારુપ્યમિત્ર, વ્રુત્તયહ પન્ચ્તય્યા ક્લિસ્ટા અક્લિશ્ટા, પ્રમાન વિપર્યય વિકલ્પ નિન્દ્રા સ્મ્રુતય…..અંતર્સાધનાની અભિવ્યક્તિરુપે કવિતા સારી છે..યોગાસન લગાવી અનુભવની ઓર મજા છે….

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.