કોશિશ

સાવ નાના બાળકની આંખોમાં રહેલા વિસ્મયમાંથી

મને ખાલી એક ટીપું વિસ્મય લેવા દો…

દુનિયાદારી પી પીને મીંઢી થઈ ગયેલી આંખોમાં

મારે એને ટ્રાન્સપ્લાન્ટ કરવું છે!


બધાં બાળકોને ભેગાં કરીને

એમને શીખવી દેવું છે

આંખોમાંના વિસ્મયને

આંખોમાં જ સાચવી રાખીને મોટાં થતાં!


ચાલોને,

અચાનક મોટાં થઈ ગયેલાં સૌ કોઈની આંખોમાં

બાળકનું ભોળપણ ફરી એક વાર વાવી જોઈએ!

સાવ બંજર થઈ ગયેલી જમીનમાં

કશું ઊગી નીકળે એવું બની શકે!

બાકી,

બાળકની ભોળી નિર્દોષ આંખોમાં

જીવતું હોય છે ઘણું બધું.

અને એને

કોઈ પણ કાળે

કોઈના પણ ચહેરા પર

નજરના ઉઝરડા પાડતાં આવડતું જ નથી!


( એષા દાદાવાળા )

3 thoughts on “કોશિશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *