ગંગાજળથી વોડકા સુધી,
આ સફરનામું છે મારી પ્યાસનું
સાદા પવિત્ર જન્મનો
સાદા અપવિત્ર કર્મનો, એક સાદો ઈલાજ
અને કોઈ પ્રિય ચહેરાને
એક છલકાતા પ્યાલામાં જોવાનો પ્રયત્ન
અને પોતાના શરીરના
એક બિલકુલ અજાણ્યા જખમને ભૂલવાની જરૂરિયાત
આ કેટલા ત્રિકોણ પથ્થરો છે-
જે કોઈ પાણીને ઘૂંટડે ઘૂંટડે ગળે ઉતાર્યા છે
કેટલાંયે ભવિષ્યો છે, જેમને વર્તમાનથી બચાવ્યાં છે
અને કદાચ સાંપ્રત પણ-
મેં સાંપ્રતથી બચાવ્યો છે
ફક્ત એક વિચાર આવ્યો
કેટલીયે વાર આવે છે-
જેમ કેટલીયે વાર એક સારંગીનો ગજ-
અચાનક કોઈ રાગની છાતીમાં ભોંકાય છે,
કે ચૂપચાપ એક પિયાનો-
કાળા અને સફેદ દાંતમાં સંગીત ચાવે છે.
એક વિચાર આવે છે-
પણ જેમ કોઈ મોતનો એક ઘૂંટડો ભરે
ડરે, અને પછી તરત
એ વિચારને ઓકી નાખે
પણ મરેલી છાતીઓમાં પણ
થોડો શ્વાસ જીવે છે
અને અટકેલા શ્વાસ સાથે હું કહી શકું છું
કે દરેક સફર ફક્ત ત્યાંથી જ શરૂ થાય છે
-જ્યાં આ સફરનામાંઓનો અંત આવે છે…
( અમૃતા પ્રીતમ, અનુ. જયા મહેતા )



2 Comments
sundar kavya
mast chhe. gami. bo gami. kavita….