આ સ્થિતિમાં જીવવું ન્યાયી નથી,
ભીડ છે ભરપૂર, તન્હાઈ નથી.
ખુશ થઈ સરનામું મારું લખ ભલે,
નોંધ નીચે મૂકજે: સ્થાયી નથી.
ને મને દરિયાએ સંભળાવી દીધું,
છે ઘણાં સંબંધ, ગહેરાઈ નથી.
તું સરળતાથી પવન પહેરી શકે,
મારી પાસે એ સલૂકાઈ નથી.
શું કરું નાહક અનુસ્નાતક થઈ,
રસ પડે એવા સહાધ્યાયી નથી.
કૌંસમાં તું નામ હજારો મૂકે,
પણ તું સમજી લે એ પર્યાયી નથી.
કાર્યથી ઉપર ન કર્તા જઈ શકે,
વૃક્ષ જેવું કોઈ સહાધ્યાયી નથી.
એકદમ ભગવાનનો માણસ છે એ,
એટલે એના અનુયાયી નથી.
( હિતેન આનંદપરા )
મજાની ગઝલ.
કાર્યથી ઉપર ન કર્તા જઈ શકે,
વૃક્ષ જેવું કોઈ સહાધ્યાયી નથી
કેવો અદ્ભુત અને અર્થ-ગહન શેર!