મેં તો દરિયાની મહેમાની માણી
કેટલીયે ના ના કરી’તી મેં તોય આજ
લઈ ગયો હાથ મારો તાણી
મેં તો કહી દીધું કે સત્તર છે કામ મારે
તારે ના કામ કે ના કાજ
મારે નસીબ મળી શ્વાસની ગુલામી
ને તારે છે રામજીના રાજ
એવું હસીને એણે ઉડ્ડાડી છોળ
આખે આખ્ખી હું થાઉં પાણી પાણી
મેં તો દરિયાની મહેમાની માણી
કાંઠે ઉભીને હું કરતી વિચાર
મારો દરિયો જબ્બર ને હું આવડી
મોજાંની રમત્યુંને જોતાંની સાથ
હું તો થઈ જાતી નાનકડી નાવડી
આયખાના ભારને ઉતારીને કાંઠે
મેં નવરી હળવાશ જરા માણી
મેં તો દરિયાની મહેમાની માણી
( મધુમતી મહેતા )