http://heenaparekh.com/2009/06/15/%e0%aa%ae%e0%ab%83%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%ab%81/
૧.
ચાહવું એટલે જ વિરહ
તારો હાથ પકડ્યો
ત્યારથી જ એ છૂટવા લાગ્યો’તો
આપણે બન્ને
એકબીજાના હાથમાં પછી તો
રહ્યા કેવળ સ્પર્શ થઈને
આ સ્પર્શને કારણે જ
આપણે ચાહી શકીએ છીએ
એકબીજાને
એકબીજા વગર.
૨.
તમને ફોલી નાખવામાં આવે
ને છીલકું જ ફગાવી દેવામાં આવે
તો પણ અંદર ખાલી જ હશો
આ ‘ખાલી’ તે તમે છો
ને આખી જિંદગી મથો છો
ભરવા
જગતને
તમારાથી-
૩.
તમે આસપાસના તંતુઓ
કાપી નાખો
તો પણ જે ભીતર છે
તેને કાપી શકો તેમ નથી
એને મૂળ જ નથી
એને ઊગવું છે
એને ખેંચી કાઢો
તો પણ એ છે
એ છે મુક્તિ!
માત્ર એટલા પૂરતી જ કે
તમે એની ઝંખના કરી શકો
બાકી, કાબૂ કરવા જાવ
તો એ જમીન બદલી કાઢે છે-
૪.
આટલે આવ્યા પછી
આગળ જોઈ શકાતું નથી
ને પાછળ જઈ શકાતું નથી
હું છું ત્યાં જ હું છું
એની આગળ નથી
એની પાછળ નથી
હું મને ‘મોબાઈલ’ લાગું છું
અટકાવું તો પણ
બેટરી ‘લો’ થવાનું અટકે તેમ નથી
ને પાવર આવે તેવી શક્યતા નથી કે-
૫.
જીવન સત્ય નથી
સ્વપ્ન જ સત્ય છે
સ્વપ્ન પહેલાં જાગૃતિ હતી
એમ લાગે છે
સ્વપ્ન પછી હોય પણ ખરી
એ જાગૃતિ પણ સત્ય નથી
કેમ કે તે અત્યારે નથી
હશે જ એવુંય નથી
જે છે તે સ્વપ્ન છે
ને હશે એ સત્ય ક્યાંય નથી-
( રવીન્દ્ર પારેખ )



3 Comments
આ ‘ખાલી’ તે તમે છો
ને આખી જિંદગી મથો છો
ભરવા
જગતને
તમારાથી-
Too good.
વિચારતાં કરી દે એવાં લઘુ કાવ્યો.
VERY TRUE. CHAHVU ATALEJ VIRAH.
TARO HATH PAKDYO,TYARTHIJ CHHUTAVA LAGIYO.
,,,,,TOOOOOO GOOD.