બારી એટલે બારી

040

બારી એટલે બારી. એમાં શું લખવાનું? પણ બારી જ ઘણાં દિવસોથી મને કલમ ઉઠાવવા માટે પ્રેરે છે. ઘણી બધી વસ્તુઓ એવી છે જેમાં ઘણું બધું રહી શકે. પણ દીવાલ એવી વસ્તુ છે જેમાં એક્માત્ર બારી જ રહી શકે…બીજું કંઈ નહીં. ચાર દીવાલોમાં બારી ન હોત તો માનવીનું સમગ્ર અસ્તિત્વ ગુંગળાઈ મર્યું હોત. બારી ન હોત તો ઘરમાં બેઠા બેઠા બાહ્ય જગતને, તેના રંગરૂપને જોઈ શકાયું ન હોત. હા, એ બધું પુસ્તકો, ટી.વી., ઈન્ટરનેટ દ્વારા પણ ઘરમાં બેઠા બેઠા જોઈ શકાય છે, જાણી શકાય છે. પણ બારી એટલે બારી જ. એની મજા કંઈ ઓર જ છે.

મારા જન્મ પછી પ્રથમવાર જ્યારે મેં એવું અનુભવ્યું કે હું મારી પોતાની જાત સાથે એકલી રહી શકું છું ત્યારે મેં મારા ઘરમાં એવા ખૂણાની શોધ આદરી જ્યાં હું મને પોતાને એકલી મળી શકું. ઉપરના માળે પછવાડે એક નાનકડો રૂમ હતો…જે ખાસ વપરાતો ન હતો. ત્યાં થોડી નકામી વસ્તુઓ પડી રહેતી હતી. મારી તલાશ આ રૂમમાં આવીને અટકી. આમ તો હું અને મારા મિત્રો બાળપણમાં ક્યારેક ત્યાં રમવા માટે એકઠા થતા. પણ ત્યાં વારંવાર જવાનું ન્હોતું થતું. પછી તો મેં ત્યાં જઈ બેસવાનું શરૂ કર્યું. ત્યાં ખાસ કંઈ સગવડ ન્હોતી અને લાઈટ પણ ન્હોતી. એટલે સમય પસાર કરવા માટે મારી પાસે માત્ર બારી જ હતી. રૂમ તો ખાસ્સો નાનો કહી શકાય તેવો છે પણ તોયે તેમાં ચાર બારી અને એક દરવાજો છે.

મુખ્ય બારીમાંથી બહુ દૂર સુધી જોઈ શકાતું. બારીમાંથી બહાર નજર પડે એટલે સામે હતું અનંત સુધી વિસ્તરેલું આકાશ. અને શેરીના જ એક ઘરનો મોટો વાડો દેખાતો હતો. તેમાં ઘણાં બધાં વ્રુક્ષો હતા. અને એ વ્રુક્ષો વચ્ચે ઘેરાયેલું એક નાનકડું મેડીવાળું ઘર….જેને આઉટહાઉસ પણ કહી શકાય. હું બારી પાસે બેસીને કલાકો સુધી જોયા કરતી. પવનની લહેરો અને પંખીઓના કલરવ વચ્ચે સમય ક્યાં પસાર થઈ જતો એની ખબર જ ન પડતી. એ જગ્યા અને બારી સાથે મારી દોસ્તી થઈ ગઈ. એ જગ્યા ખૂબ જ શાંત અને સરસ હતી. મારા સિવાય બીજું કોઈ એ જગ્યા પર હક ન્હોતું  જમાવતું.

બારીમાંથી દૂર દૂર સુધી પહોંચતી નજરમાં અવરોધ આવ્યો. મારા ઘરથી એક કિલોમીટર દૂર મારા શહેરનું સૌ પ્રથમ બહુમાળી મકાન બંધાયું. દસ માળનું એ મકાન બરાબર મારી બારીની સામેની દિશામાં હતું. મને દેખાતા અનંત આકાશમાંથી થોડો ટુકડો એ બહુમાળી મકાનને કારણે ઓછો થયો.

એકવાર વેકેશનમાં ઘણાં બધાં દિવસો સુધી બહારગામ જવાનું થયું. ત્યાંથી પાછા ફર્યા બાદ હું મારા રૂમમાં ગઈ એને બારી ખોલી તો મારું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. બારીમાંથી દેખાતા પડોશીના વાડામાં ઉગેલા વ્રુક્ષો કપાવા માંડ્યા હતા. મેડીવાળું આઉટહાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું. જાણવા મળ્યું કે ત્યાં એપાર્ટમેન્ટ બંધાવાનું છે.

સમય જતાં ત્યાં ત્રણમાળનું એપાર્ટમેન્ટ બંધાઈ ગયું. મારી બારીની સામે પણ હવે બારી હતી. એક વખત મેં એક પંક્તિ અમસ્તા જ લખી હતી…..

“મારી બારીની બહાર એક બારી

બસ એટલી જ દુનિયા મને પ્યારી”

આ પંક્તિ સાંભળીને મિત્રોને થયું હતું કે હું કોઈ ખાસ બારીની અને તેની પાછળના કોઈ ખાસ ચહેરાની વાત કરું છું. બારી તો હતી અને ચહેરો પણ હતો. પરંતુ એમાં મિત્રો માનતા હતા તેવું “ખાસ” કંઈ ન હતું.

એ બારી પાછળ કોઈ નવા માણસો રહેવા આવ્યા. પરિવારમાં ઘણાં બધાં માણસો હતા. પણ મારી જેમ જ એક ચહેરાને બારીની બહુ માયા હોય તેવું લાગ્યું. કારણ કે જ્યારે એ તે રૂમમાં ( જે તેઓનું રસોડું છે ) આવતી ત્યારે બારી બંધ હોય તો તરત ખોલી નાંખતી. અને મારી બારી બંધ છે કે ખુલ્લી તેની નોંધ પણ લેતી. બારી પાછળની એની અવરજવરથી, ક્યારેક ક્યારેક સંભળાઈ જતા બે-ચાર શબ્દોથી મારી એકલતા “એકાંત” બની.

પછી તો અમારો એ બારી સંબંધ વિસ્તર્યો. અમારો રૂબરૂ પરિચય થયો અને ક્યારેક ક્યારેક અમે એકબીજાના ઘરે આવતા-જતા પણ હતા. મેં એના એની બારીમાંથી મારી બારીને જોઈ. પરસ્પર મળવા છતાં મને એ બારીનો સંબંધ જ વધુ ગમતો. ક્યારેક એના ઘરના બાળકો બારી પર ચઢીને મને દિદિ…..દિદિ કહીને બૂમ પાડતા.

રોજ મારી બારીમાંથી એની બારીને જોવી એ એક આદત બની ગઈ. હું જ્યારે મારી બારી ખોલું ત્યારે એની બારી ખુલ્લી ન હોય તો મારું મન નિરાશ થઈ જતું. મને મારા રૂમમાં બેસવું ગમતું પણ નહીં. ઘણીવાર એક-બે દિવસ સુધી એની બારી ન ખુલતી તો મારું મન એ બારીને ખુલ્લી જોવા તડપી ઉઠતું. સાથે ચિંતા પણ થતી કે શું કામ બારી બંધ છે? બધાં ક્યાંક ગયા તો નથી ને? ઘરમાં કોઈ માંદુ તો નથી ને? કોઈને કંઈ થયું તો નથી ને? કોઈ બીજી સમસ્યા તો નથી ને? – મારા આ પ્રશ્નોના જવાબ તો મને મળતા નહીં પરંતુ જ્યારે પણ એ બંધ બારી ખુલતી ત્યારે મારું મન હસી ઉઠતું, ડોલી ઉઠતું.

પછી તો એ બારી પાછળના ચહેરાના લગ્ન થયા. એ સાસરે ચાલી ગઈ. એના સિવાય ઘરના અન્ય સભ્યોને બારી સાથે એટલી માયા ન્હોતી. એટલે મારો પણ બારી-મોહ છૂટી ગયો. પડોશમાં નવું મકાન બંધાયું એનાથી એ બારી પણ મારા રૂમમાંથી દેખાતી બંધ થઈ ગઈ. ચાર-પાંચ વર્ષો એમ જ પસાર થઈ ગયા.

જગ્યાની સંકળામણ અને મારો સરસરંજામ વધતા મને બીજા રૂમની આવશ્યકતા ઉભી થઈ. મારા અગાઉના જૂના રૂમની સાથે જોડાયેલો બીજો રૂમ બન્યાને લગભગ દોઢેક વર્ષ થયું. હવે હું મારા નવા રૂમમાં બેસતી હતી. નવા રૂમમાંથી ફરી એ જ બારી દેખાતી હતી. પણ મને એ અપરિચિત જેવી જ લાગતી હતી.

એક દિવસ સાંજે હું મારા રૂમમાં બેસીને મારું કામ કરતી હતી ત્યારે મેં મારા એ જ પરિચિત ચહેરાને પેલી બારી પાછળ જોયો. એ સાસરેથી આવી હતી. એના ઘરના બાળકો ફરી બારી પર ચઢીને મને બૂમ પાડવા લાગ્યા. એમાં એના બાળકો પણ સામેલ હતા. મળવાનું તો ન થયું પણ થોડા દિવસો ફરી બારી સંબંધ પુર્નજીવિત થયો. અને મને ફરી બારી પ્રત્યે લગાવ થયો.

થોડા દિવસો પછી એ તો એના સાસરે ચાલી ગઈ. પણ બારી ખુલ્લી છે કે બંધ તેની તાલાવેલી મને હજુ પણ રોજ રહે છે. એના ભાભી કે જેને હું રૂબરૂ ક્યારેય મળી નથી તેની સાથે એક છૂપો બારીસંબંધ બંધાઈ ગયો છે. ભાભીના હાથની રસોઈની મહેંક મારા સુધી પહોંચતી તો નથી પણ એને હું અનુભવું છું. કારણકે વાસણોનો અવાજ મને સંભળાય છે. બારીની એક તરફ ઉપરની બાજુએ દેવમંદિર છે. રોજ સાંજે એના મમ્મી હાથમાં દિવો પકડીને ઘંટડી વગાડતાં વગાડતાં આરતી કરે છે. ઘંટડીનો મધુર રણકાર સાંભળવા હું તલસી ઉઠું છું. પણ એ લોકો ને બારીની જરાયે માયા નથી. કોઈ દિવસ બારી ખુલ્લી હોય તો કોઈ દિવસ બંધ. ક્યારેક સવારે ખુલ્લી હોય તો સાંજે બંધ. સાંજે ખુલ્લી હોય તો સવારે બંધ. ક્યારેક ક્ષણ પહેલા ખુલ્લી હોય તો ક્ષણ પછી બંધ. ક્યારેક તો મને જોઈને બારી બંધ થઈ જાય એવું પણ બને.

મારા જીવનમાં ખુલ્લી બારીનું શું મહત્વ  છે તે હું એ લોકોને સમજાવી શકતી નથી. ખુલ્લી બારી મને આનંદ આપે છે અને બંધ બારી નિરાશા……તે હું એ લોકોને કહી શકતી નથી. એ લોકોને બારી ખુલ્લી રાખવી હોય તો ખુલ્લી….બંધ રાખવી હોય તો બંધ. એમાં હું કોઈ દખલગીરી કરતી નથી..કરી શકતી પણ નથી.

પણ બારી એ તો એક પ્રતિક માત્ર છે. હું તો માનવીય મન-હ્રદયની વાત કરું છું. કેટલાકના મન-હ્રદય ખુલ્લી બારીની જેમ સતત ખુલ્લા હોય છે. એવા લોકો અપરિચિત હોય તો પણ ક્ષણભરની મુલાકાતમાં આત્મીયતાનો ઉમળકો અનુભવાય. મળવાનું કોઈ કારણ ન હોય છતાં અમસ્તા જ વારંવાર મળવાનું મન થાય. આવા માણસોની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરીમાં ક્ષણો ખીલી ઉઠતી હોય છે, મહોરી ઉઠતી હોય છે.

જ્યારે કેટલાક માણસો બંધ બારી જેવા બંધ હોય છે. ગમે તેટલા પ્રયાસો પછી પણ તેમના સુધી કશું પહોંચતું જ નથી. કે તેમના મનમાં શું છે તે કળી પણ શકાતું નથી. સારું-નરસું કશું એમને સ્પર્શતું નથી. આવા માણસોને મળવાનું મન જલ્દી થતું નથી.

જીવનમાં પ્રસન્નતા પ્રવેશે અને પ્રસરે તે માટે મન-હ્રદયની બારીઓ ખુલ્લી રહે તે જરૂરી છે. તમે ઈચ્છો તો એ પ્રસન્નતાને પામી શકો. તમે ઈચ્છો તો એનાથી વંચિત પણ રહી શકો. તમારા સ્વભાવમાં ખુલ્લાપણું રાખવું કે ન રાખવું એ તમારા હાથની વાત છે.

હું તો મારા રૂમની બારીઓ ખુલ્લી રાખું છું. જ્યારે દ્વારની શક્યતાઓ બંધ થતી હોય છે ત્યારે જ બારીઓ ખુલતી હોય છે. માત્ર એ એક જ બારી નહીં…..મારી બીજી બારીની સામે બહુ ઓછા અંતરે નવું દશ માળનું મકાન પૂર્ણ થવાને આરે છે. અગણિત બારીઓનું વિશ્વ સર્જાઈ રહ્યું છે. અને એ બધી બારીઓ મને સાદ પાડી રહી છે.

હિના પારેખ મનમૌજી

ઓરકુટની  “ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ “ કોમ્યુનિટીની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પ્રકાશિત થયેલ ઇ-મેગેઝિન “The Readers”માં આ નિબંધ સ્થાન પામ્યો હતો. આ સાથે આપેલ લીંક દ્વારા “The Readers”ને ડાઉનલોડ કરી શકાશે.

Standard Copy

http://www.4shared.com/file/109370912/9a7634dc/The_Readers-1.html

Flip  Copy

http://www.4shared.com/file/109506728/1a02c3da/the_readers-1

4 thoughts on “બારી એટલે બારી

  1. કવિતા સાથે બ્લોગ પર તમારા આવા સારા લેખો પણ મૂકતા રહેજો. નિબંધ ગમ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *