વરસાદ પડે છે

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

( મુકેશ જોષી )

4 thoughts on “વરસાદ પડે છે

 1. SARAS RACHANA !! VAH ! VAH!
  છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
  મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

 2. ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
  ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.
  હીનાજી, હું તો રહ્યો અમદાવાદી એટલે આવું જ ગમે ને ? તમે સુંદર રચના મૂકી મુમ્બઈગરા કવિની.ચા સાથે વધુ મજા પડે !!

 3. વાહ્!! મજા આવી ગઇ !!
  સરસ રચના મુકી !!
  આપ મારા આ નીચે આપેલ લીક પર નાઁ “કલમપ્રસાદી” બ્લોગ પર કલિક કરો, તમે ખુદ ભીજાય જશો !!
  માર્ઇ ગેરેન્ટી છે!!
  – પ્રવિણ કે.શ્રીમાળી
  http://kalamprasadi.gujaratiblogs.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *