વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ
આ તો વરસે છે લીલુંછમ ઝાડ મારા વાલમા
પીળક તો ક્યારનું ઉડી ગયું ક્યાંક
આ તો વરસે છે લીલીછમ ડાળ મારા વાલમા…
ખોળો વાળીને ઘર વાળતી રે, ધીમા તામે ચઢાવીને ભાત
સંજવારીમાં કેમ કાઢવાં રે, પડ્યાં ઓસરીમાં ચાંદરણાં સાત
ઓસરીએથી જાઉં ફળિયે, પછી ફળિયેથી ઓસરી ગઈ
પૈંડા બેસાડી ધક્કા મારજો રે, મારી વેળા ગોકળગાય થઈ…
આવેને ફૂલ ઝૂલતા રે, એમ કાનમાં ઝૂલે એરિંગ
પાથરણાં કેમ કરું પંડનાં રે, હું તો થઈ ગઈ સરગવાની શીંગ
કાને માંડી મેં જરીક ડાળખી, ત્યાં તો સંભળાતું ઝીણકલું પાન
પાંખડીનાં ઉંબરા વળોટતા રે, જુઓ સુરજમુખીના પીળા વાન…
( અનિલ જોશી )
સરસ ગીત.
મારી વેળા ગોકળગાય થઈ……….