અંગત સમયના ભેદ વંચાવા, કહો કોને મળું?
વાચાળ શિષ્ટાચાર અપનાવ્યા, કહો કોને મળું?
બોલ્યા વગર સંવેદનાઓને છલોછલ સાચવી,
બોલ્યા વગર બસ ધ્રૂસકે ચડવા, કહો કોને મળું?
સહકાર આપી આબરૂને સાચવી ક્યારે તમે?
સિદ્ધાંત પર સિદ્ધાંત સમજાવ્યા, કહો કોને મળું?
ક્યાં કોઈ દાવાનળ હ્રદયથી દૂર ભાગે છે કદી,
સળગી ગઈ છે જાત ઝળહળવા, કહો કોને મળું?
ઝઘડી પડું…?માથા પછાડું…?કે સમય પર છોડી દઉં…?
આ જિંદગીએ સાવ લલચાવ્યા, કહો કોને મળું?
હું આમ બોલ્યો હોતને તો કામ તો સહેલું હતું,
આઘાત ક્ષણભર સાચવી લેવા, કહો કોને મળું?
ભીનાશ તો ભીનાશ છે વિશ્વાસ તો રાખો તમે
ખોબો ભરીને હાથ લંબાવ્યા, કહો કોને મળું?
( શૈલેશ પંડ્યા ‘ભીનાશ’ )
વ્યથા રોષ અને બેબસીની ટપકતી ગઝલ- તીવ્ર સંવેદન.
ઝઘડી પડું…?માથા પછાડું…?કે સમય પર છોડી દઉં…?