સોગાત સુંદર

દિવસ જાય રૂડે ! અને રાત સુંદર,
હવે થાય ક્યાં એ મુલાકાત સુંદર?

નથી માનતું તો નથી મનતું મન,
ભલે ને જણસ કોઈ હો સાત સુંદર.

તમે નીકળો એ પળે તો નદીનો,
વધુ ને વધુ લાગતો ઘાટ સુંદર.

કળાતી હતી કાલ લગ જે કઢંગી,
વદી એ તમે તો બની વાત સુંદર.

કદી જીતમાં પણ ન જામે જરા શું,
અને નીવડે છે કદી મા’ત સુંદર.

એ ચબરાક પણ બહુ કહેવાય છે જે,
રમી જાણતાં હોય ચોપાટ સુંદર.

અહીં છોને પૂછે, તહીં છોને પૂછે,
પરમ પ્રેમથી કોઈ ક્યાં પાઠ સુંદર?

જગત પણ પછી લાગશે ખૂબસૂરત,
કરીએ પ્રથમ આપણી જાત સુંદર.

ગઝલને પ્રતાપે કહે છે ગુસાંઈ,
શબદથી અધિક કૈં ન સોગાત સુંદર.

( મનસુખવન ગોસ્વામી )

2 thoughts on “સોગાત સુંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *