પ્રત્યેક મોસમને

પ્રત્યેક મોસમને એનું સૌન્દર્ય હોય છે

ઋતુઓના ચકરાવાઓથી હું કદીયે બેચેન થતો નથી.

પાનખરના ગર્ભમાં વસંતને જોવાનો હું પ્રયત્ન કરતો નથી

પણ પાનખરને પૂર્ણપણે સ્વીકારું છું.


પહેલેથી ઓઢી નથી લેતો ધાબળો કે બિછાવી નથી લેતો ચાદર.

વસંત તો આવે ત્યારની વાત, આવશે ત્યારે એનો પણ આદર.

ઋતુચક્રની અકળસકળ લીલાને નિરંતર જોયા કરું છું

અને મોહ્યા કરું છું શિશુ સહજ વિસ્મયના ભાવથી.


એક સૂકાઈ ગયેલું વૃક્ષ એના પર ગીતની પંક્તિ જેવા

પ્રગટ થતા પાંદડા, હળવેથી પસાર થતી લ્હેરખી

આકાશમાં હળુ હળુ ઊગતો રેશમી સૂર્ય

અને રાતના નીરવ રવે પથરાતી ચાંદનીની હૂંફ.


પ્રત્યેક મોસમને એનું સૌ ન્દર્ય હોય છે

જેમ પ્રત્યેક માણસને પોતાનું સ્વરૂપ હોય, એમ.


( સુરેશ દલાલ )

2 thoughts on “પ્રત્યેક મોસમને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *