લે ! મને તો એમ કે આખ્ખા નગરની વાત છે,
પણ હકીકતમાં ફક્ત મારા જ ઘરની વાત છે.
કોઈ જણ આકાર જોશે, કોઈ જોશે રંગને,
કોઈ પણ હો ચિત્ર માણસની નજરની વાત છે.
ક્યાં પહોંચ્યા આપણે ને ક્યાં પહોંચીશું હવે,
જન્મની સાથે જ માંડેલી સફરની વાત છે.
હું તને સમજાવું પણ સહેજેય સમજાશે નહીં,
વાત કારણ કે બધી સમજણ વગરની વાત છે.
( અનિલ ચાવડા )