http://heenaparekh.com/2009/10/05/prashna-uttar/
હું
પ્રશ્નો લઈ
તારી સન્મુખ ઉપસ્થિત થાઉં છું
તું
અગાઉથી આપી દીધેલા ઉત્તર
દેખાડી દે છે
હું મૂંઝાઉં છું
મૂંઝવણોથી મુઠ્ઠી ભરી દઈ
ફરી તારી સમક્ષ ખડો રહું છું
તું
આંખના અણસારે
મારી સજ્જડ આંગળીઓ
એક પછી એક ખોલી નાખે છે
હું પેંતરો બદલું છું
મનને ઊંડા ખૂણે ધરબી દઈ
તારી પાસે આવું છું
તું
વાતવાતમાં
સઘળું છાનું ઉજાગર કરે છે
તું
કહે છે
દરેક પ્રશ્નનો ઉત્તર
દરેક ઉત્તરને પ્રશ્ન હોય છે
પ્રશ્ન અને ઉત્તર
એક લાકડીના બે છેડા છે
લાકડી તોડ્યા પછીય
બે છેડા રહે જ છે
તું
કહે છે
સામટા બાવીસ છેડાય હોય
બત્રીસ બેતાલીસ… પણ
હું છેડો છોડી દઈ
બેસી જાઉં છું
તું
હથેળી હાથમાં લઈ
આંખોમાં આંખ પરોવી
ગોઠડી માંડે છે
અપલકમાં
અલકમલક ઊઘડતાં આવે છે
( કમલ વોરા )



One Comment
Nice play of Words…Enjoyed it !>>>>Chandravadan Mistry (Chandrapukar)
Inviting you & Readers ti Chandrapukar !
http://www.chandrapukar.wordpress.com