મુક્તક
પાણીના તળિયે જઈ બેઠા છીએ
કોઈનું ક્યાં નામ લઈ બેઠા છીએ
સ્વપ્ન તો સારેગમ સંસારની
કંઠને તાળા દઈ બેઠા છીએ.
ગઝલ
લ્યો પલાંઠી વાળીને બેઠા છીએ
શ્વાસ રોકી રાખીને બેઠા છીએ.
આભના ચહેરે પડી છે કરચલી.
પંખીને સંતાડીને બેઠા છીએ.
હોઈએ બેહદ ખુશીમાં કેમ કે
આંસુ ઊંડા દાટીને બેઠા છીએ.
મ્યાન કર ‘ઈર્શાદ’ તું તલવારને
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.
( ચિનુ મોદી )