http://heenaparekh.com/2009/10/14/shrungar-shatak-ma-thi/
‘શૃંગાર-શતક’માંથી ‘વૈરાગ્યશતક’ આવે;
જીવનના અનુભવનો આવોય સબક આવે.
પ્રત્યક્ષ મળે ઈશ્વર એવું તો બને ક્યાંથી?
સંભવ છે કે સ્વપ્નામાં એકા’દ ઝલક આવે.
એક સર્વોપરી બળ છે જેનું ન કોઈ માલિક;
દ્રષ્ટિમાં ને સૃષ્ટિમાં તેથી તો ફરક આવે.
બિલ્લોરી મળે જળ પણ એની ન કશી કિંમત;
નિર્મળ હો ભલે કિન્તુ આંસુમાં નમક આવે.
થોથાંઓ લખો કિન્તુ કંઈ અર્થ નથી એનો;
છે શર્ત ફક્ત એક જ : શબ્દોમાં ધબક આવે.
ૐકારનો હોંકારો, અણસાર હો અક્ષરનો;
આજન્મ ફરીથી જો થઈ હસ્તમલક આવે.
નિશ્ચય અને નિષ્ઠાથી જો લાગે સમાધિ તો;
ઈચ્છાઓનાં ચોગમથી છો દળ ને કટક આવે!
( ભગવતીકુમાર શર્મા )



2 Comments
Very Nice Gazal !!
Thanks
થોથાંઓ લખો કિન્તુ કંઈ અર્થ નથી એનો;
છે શર્ત ફક્ત એક જ : શબ્દોમાં ધબક આવે.
કેટલી સુંદર વાત કહી છે. અને
નિશ્ચય અને નિષ્ઠાથી જો લાગે સમાધિ તો;
ઈચ્છાઓનાં ચોગમથી છો દળ ને કટક આવે!
વાહ .. બહોત ખુબ. પ્રબળ સંકલ્પ અને એકાગ્રતા હોય તો કશું અશક્ય નથી. જીવનના દરેક ક્ષેત્ર માટે એ એટલું જ સત્ય છે.