કબીર ( એક શબ્દ ચિત્ર )

kabir-270x407

ઘટ ઘટ રામ તિહારો

અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો…

ઘટ ઘટ રામ તિહારો…


તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ

વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ


બાંધ્યો ના બંધાય તું છાપ-તિલકની પાર

પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર


તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો

અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો


તલમાં ચીંધ્યા તેલને ચકમક ચીંધી આગ

દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ


ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન

તેં બન્ને પલ્લે રહી પરખ્યા એક સમાન


પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણી વચ રણુંકારો

અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો


( સંજુ વાળા )

4 thoughts on “કબીર ( એક શબ્દ ચિત્ર )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *