બે માળાનું પંખી-ભાગ ૨

બે માળાનું પંખી-ભાગ ૨

એક દિવસ દિનેશની ઓફિસના માણસોએ ઉજાણી ગોઠવી હતી. બન્યું એવું કે તે જ દિવસે પંખીની વર્ષગાંઠ હતી. દિનેશે ઘણાં દિવસ પહેલાં જયાને કહી મૂકેલું કે ઓફિસની ઉજાણીમાં બધા પોતપોતાનાં છોકરાંને લાવવાના છે. પંખી તથા રમેશને હું પણ લઈ જઈશ. આ તરફ પંખીને આઈસ્ક્રીમ બહુ જ ભાવે એમ વિચારી નરેશે વર્ષગાંઠ ખાતે આઈસ્ક્રીમ પાર્ટીની યોજના ઘડી હતી. તે રોજ કહેતો: પંખી ! તારી વર્ષગાંઠને દહાડે તું ધરાઈને આઈસ્ક્રીમ ખાજે, હોં ! ત્રણેક દિવસ પહેલાં જયાને ખ્યાલ આવ્યો કે આ બંને પ્રસંગો અથડાશે. તેણે દિનેશને કહી જોયું: ‘ઉજાણીમાં છોકરાંને શું ગમશે? તમે એકલા જ જવાનું રાખો તો કેવું? બનતાં સુધી જયા અને કંચન પોતપોતાના પતિ સાથેની વાતચીતમાં સામસામાં ભાઈઓનાં નામ ન દેવાય તેની કાળજી રાખતાં. દિનેશે જવાબ દીધો: ‘વાહ, કેમ નહિ ગમે? ત્યાં તો પચાસેક છોકરાં ભેગાં થશે. સિનેમાની ફિલમ દેખાડવાની છે. પંખીને તો ખૂબ ગમ્મત પડશે.’ જયાએ ખૂબ ડરતાં ડરતાં ખરી વાત રજૂ કરતાં કહ્યું૰ જાણે વાત એમ છે કે તે દિવસે પંખીની વર્ષગાંઠ છે.

‘તો તો સરસ. પંખીની વર્ષગાંઠ છે તો હું ત્યાં સૌ છોકરાં માટે રબ્બરનો એકેક ફુગ્ગો લેતો જઈશ.’ ‘પણ…’જયાએ હિમ્મ્ત એકઠી કરી બોલી નાખ્યું: ‘નરેશભાઈએ આઈસ્ક્રીમ પાર્ટી રાખી છે.’ એકદમ મોઢું ગંભીર કરી નાખી દિનેશ ધીમેથી પણ સ્પષ્ટ ઉચ્ચાર કરતાં બોલ્યો: ‘જો જયા, પડોશી સાથે ઝગડો ન કરવો એ વાત બરાબર, પણ તેની સાથે વધુ પડતી ઘરવટ પણ શા માટે રાખવી? એ લોકોની આઈસ્ક્રીમ પાર્ટી એમને જ મુબારક ! એમાં આપણને શું લાગેવળગે?’ ‘પણ ખાસ પંખીની વર્ષગાંઠ ખાતે જ આ પાર્ટી છે. પંખીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, તે જાણીને જ નરેશભાઈએ…’તે અણગમતું નામ સાંભળી મોઢામાં ક્વિનીન ગયું હોય તેવો ચહેરો કરી દિનેશ વચ્ચેથી જયાનું વાક્ય કાપી નાંખતા બોલી ઊઠ્યો: ‘જો જયા, બધી બાબતમાં તને જેમ ગમે તેમ તું કર, પણ એનું નામ મારી આગળ ન દેતી.’ વાત ત્યાં જ અટકી. પણ બપોરે જયાએ કંચનને ખબર આપી, ‘આઈસ્ક્રીમ પાર્ટી અને ઓફિસની ઉજાણી બન્ને એક જ દિવસે ગોઠવાયાં છે, શું કરીશું?’ કંચને કહ્યું, ‘હું એમને વાત કરીશ.’ પણ કંચન ઢીલું જ બોલી હતી. દિનેશ સાથેના ઝગડામાં પતિ આગળ તેનું કાંઈ જ ઊપજતું નહોતું, તે કંચન પોતે ક્યાં નહોતી જાણતી?

તે દિવસે પતિ જમવા બેઠો ત્યારે ખુશામત ખાતર કંચને એક વધારાનું શાક પીરસ્યું હતું. પતિને પસંદ એવી લસણની ચટણી વાટીને મૂકી હતી અને જમતા પતિને માંખ ઉડાડતી તે બાજુમાં પાટલો નાંખી બેઠી હતી. નરેશે હસીને પૂછ્યું: ‘કેમ, આજે શું માંગવું છે? નવી સાડી કે પછી સોનાનો અછોડો?’ ચોરી કરતાં પકડાઈ ગયા જેવી છોભીલી કંચન પડી ગઈ, પણ પછી બોલી: ‘જાઓ વળી, આવું તે શું બોલો છો? મારે તો કશુંયે માગવું નથી; પણ આ આઈસ્ક્રીમ પાર્ટી ને ઉજાણી બે એક દિવસે આવ્યાં છે તેનું શું કરીશું?’

‘ઉજાણી કઈ વળી?’ નરેશે નવાઈ પામતાં પૂછ્યું. ડરને લઈને અચકાતી જીભે કંચન બોલી: ‘દિનેશભાઈના ઓફિસના સ્ટાફની…’દિનેશનું નામ આવતાં જ નરેશે કોળિયો હેઠો મૂકી દીધો અને તે બોલી ઊઠ્યો, ‘ખાતી વખતે કોઈ સારા માણસનું નામ દેતી જા કંચન ! વળી એની ઉજાણી સાથે મારે શી લેવાદેવા છે?’ ‘તમારે નહિ, પણ પંખીને તો ખરી જ ને?’ હવે વાતનો ફડચો આણવા કંચન કટિબદ્ધ થઈ અને બોલી: ‘ઓફિસની ઉજાણીમાં વીસપચીસ છોકરાં જવાનાં છે, ત્યાં ફિલમ દેખાડવાના છે અને પંખીની વર્ષગાંઠ ખાતે દરેક છોકરાંને રબ્બરનો ફુગ્ગો આ લોકો આપવા ધારે છે.’ બધી બાબતમાં ઠરેલ અને સમજુ એવો નરેશ ભાઈ સાથેના સંબંધની વાતમાં છેક જ બાલિશ બની જતો. તે બોલ્યો: ‘હું પણ શેરીનાં તમામ છોકરાંને બોલાવીશ. ફિલમ દેખાડીશ અને ફુગ્ગો તો ફટ દઈને ફૂટી જાય, હું તો સરસ રમકડાં અને સીંગ-સાકરિયા અને રેવડીનાં પડીકાં સૌ છોકરાંને વહેંચીશ.’

‘પણ એ લોકો પંખીને ઉજાણીમાં લઈ ગયા વગર નહિ રહે,’ કંચને યાદ દેવડાવ્યું.

નરેશ ઊકળીને બોલ્યો: ‘એટલે શું? મારી પંખીની વર્ષગાંઠ હું ઉજવું છું અને જોઉં છું તો ખરો કે તેને કોણ ઉજાણીમાં લઈ જવા છીનવી જાય છે?’

હવે શું કરવું, તે નક્કી કરવા દેરાણીજેઠાણીની એક અગત્યની ખાનગી મિટિંગ મળી. ઘણી ચર્ચા બાદ નિર્ણય થઈ ગયો.

પંખીની વર્ષગાંઠ ચૈત્રસુદ બીજને દિવસે હતી. પડવાને દિવસે કંચન સવારે પથારીમાંથી ઊઠી નહિ. ‘ઓ રે, ઓ રે,’ ની બૂમો શરૂ કરી. પેટમાં દરદની ફરિયાદ પતિ આગળ નોંધાવી. નરેશ ગભરાયો. પડોશમાં જ દાક્તર રહેતા હતા તેમને તેડી લાવ્યો. દાક્તરે ગરમ પાણીની રબ્બર-થેલીથી શેક કરવા સૂચના આપી ને પીવાની દવા આપી. મગના પાણી સિવાય કાંઈ ન લેવાની અને પથારીમાં સૂઈ રહેવાની સૂચના કરીને પાંચ રૂપિયા લઈ દાક્તર ચાલતા થયા. પત્નીનું દરદ જોઈ નરેશ હાંફળો બની ગયો હતો. તે નોકરી ઉપર પણ ન ગયો. પ્રેમાળ પતિને છેતરતાં કંચનનો જીવ કપાઈ જતો હતો, પણ તે સિવાય છૂટકો જ ક્યાં હતો? આખો દિવસ કંચને ઢોંગ માંડેલો જ રાખ્યો. સાંજ પડતાં નરેશ કહે: ‘કાલની પાર્ટીનું કેમ કરીશું?’ કંચન બોલી: ‘મારાથી કાલે તો કશી તૈયારી નહિ થાય. ખમણ ઢોકળાંની દાળ આજે પલાડવી પડે. પેંડા વાળવા માવો પણ હજી આણ્યો નથી. બે દિવસની તૈયારી વગર પંખીનો જન્મદિવસ ન ઊજવાય.’ નરેશ કશું બોલ્યા વગર ખિન્ન વદને બેસી રહ્યો. તેનો પડી ગયેલો ચહેરો જોઈ કંચન બોલી ઊઠી: ‘પણ એમાં શું? પંખીની અંગ્રેજી તારીખ પ્રમાણે ચૌદમી તારીખે વર્ષગાંઠ આવે છે. તેને હજી આઠેક દિવસની વાર છે. તે દિવસે તમે જ કહેતા નહોતા કે ખરી ગણતરી તો તારીખ પ્રમાણે જ થાય?’ નિરાશાનું વાદળ પત્નીના શબ્દો સાંભળી નરેશના ચહેરા ઉપરથી હઠી ગયું અને વળતે દિવસે પંખીની વર્ષગાંઠ વિઘ્નરહિત રીતે ઊજવાઈ ગઈ. બીજે અઠવાડિયે ફરીથી નરેશે પણ પંખીની વર્ષગાંઠ ઊજવી.

તે પછી એકાદ મહિને પંખી સવારે ઊઠી, ત્યારે તેનું દિલ ખૂબ તપેલું હતું. નરેશ દાક્તરને તેડી આવ્યો. દાક્તર કહે: ‘તાવ વધારે છે. સુવાડી રાખજો.’ તે તાવ બે-પાંચ દિવસે પણ ન ઊતર્યો. આઠમે દહાડે લોહી તપાસ્યા પછી દાક્તરે ટાઈફોઈડ વર્ત્યો. પંખીનો ખાટલો નરેશના ઘરમાં હતો. ત્યાં દિનેશને હવે નિત્ય ગયા વગર છૂટકો જ ન હતો. શરૂઆતમાં તો નરેશ બહાર ગયો હોય, ત્યારે દિનેશ ત્યાં જઈ બેસતો. પણ મોટા મંદવાડમાં એવું ક્યાં સુધી ચાલે? ‘જરા બરફ લેતો આવજે. મોસંબી પણ લાવવાની છે.’ એવી વાતો કરવી જરૂરી રહેતી. કંચન તથા જયા વારાફરતી બરફ ઘસવા બેસતાં. તાવ ઉગ્ર સ્વરૂપે હતો. બન્ને ઘરમાં રસોડાં ચલાવવાથી કંચન-જયા બન્નેનો વખત તેમાં જતો, તેથી તેમણે મસલત કરી, માત્ર એક જ બાવાળું રસોડું ચાલુ રાખ્યું. જે નવરું હોય તે રાંધતું અને જેને રુચિ થાય તે બે કોળિયા ખાઈ લેતું. બાકી સૌના જીવ અદ્ધર થઈ ગયા હતા. ત્રીજે અઠવાડિયે પંખીને પુષ્કળ ઝાડા થઈ ગયા અને ચોથે અઠવાડિયે તાવ ઊતરવાની જ્યાં આશા સેવીને ચારે જણ બેઠાં હતાં, ત્યાં પંખીના પડખામાં શૂળ ઊપડ્યું. દાક્તરે ન્યુમોનિયા વર્ત્યો. ત્રણ દિવસ ભારે કટોકટીના હતા. વચલે દિવસે પંખી બેભાન બની ગઈ. પગ ટાઢા પડી ગયા. કંચન અને જયા એકબીજાને વળગીને રોતાં હતાં. નરેશ બે ભાઈઓમાં વધુ પોચો હતો. તેનાથી ન રહેવાયું. દિનેશને ખભે માથું નાખી તે ખૂબ રડવા લાગ્યો. પોતાના આંસુની પરવા કર્યા વગર દિનેશ નરેશને શાંત પાડવા પ્રયત્નો કરતો હતો.

મધરાતે પંખીની નાડી છેક જ મંદ પડી જતી લાગી. તેના ખાટલાની આસપાસ અદ્ધર શ્વાસે ચારે માતા-પિતા બેઠાં હતાં. નરેશનો હાથ જોરથી ઝાલીને દિનેશ બેઠો હતો. ચારે જણ પોતપોતાની રીતે ભગવાનને સંભારી રહ્યાં હતાં.

પાછલી રાત્રે પંખીનો શ્વાસોચ્છવાસ કાંઈક નિયમિત બનતો જતો જણાયો. પરંતુ જયા હળવે સાદે બોલી: ‘ઓલવાતો દીવો લગીરવાર ઝબૂકી જાય એવું તો ન હોય?’ નરેશ બોલ્યો, ત્યારે આંસુથી તેનો સાદ ઘેરો બની ગયો હતો: ‘મારી પંખીને આપણા માળામાંથી ઉપાડી જવાની ખુદ ભગવાનની હિંમત નહિ ચાલે.’ દિનેશ બોલ્યો, ‘પરમાત્મા આપણી ચારની લાજ રાખશે.’ કંચન જાણે સ્વગત બોલતી હતી: ‘બા, બા, તમે કેવાં છો? અમારાં રાંકનું આટલું રતન જળવાઈ રહે, એટલી અમારી અરજી ઈશ્વરના દરબારમાં તમે પહોંચાડજો.’

તે પછી પાંચેક મિનિટે પંખીએ આંખો ખોલી; નરેશ તરફ નજર ઠેરવી, હોઠ ફફડાવી તે બોલી: ‘કાકા !’ ‘ઓ બેટા, દીકરી મારી ! શું છે?’ નરેશ વાંકો વળીને હલકે અવાજે પૂછવા માંડ્યો. દિનેશે પંખીના હોઠ ઉપર બે ટીપાં પાણી મૂક્યું. તે તેણે ગળે ઉતારી દીધું. કંચન હજી પંખીની પાંગતે બેસી ભગવાનની નહિ પણ સ્વર્ગે સંચરેલાં સાસુની જ પ્રાર્થના કર્યા કરતી હતી: ‘ભગવાન મારું સાંભળે કે ન સાંભળે, પણ મારે મન તો તમે જ હાજરાહજૂર છો.’ જયાએ પતિની પાસે જઈ તેના કાનમાં કહ્યું: ‘પંખીને જરા કરાર વળતો જણાય છે.’

આખી રાતની પૂરેપૂરી ઊંઘ પછીનું પ્રભાત અમુક પ્રકારનું ભાસે છે અને રાતભરના ચિંતાજનક ઉજાગરા પછીનું પરોઢ વળી તદ્દન અવનવું લાગે છે ! પરોઢનો ધીમો, આછો પવન વાતો હતો. પ્રભાતની તાજગીભરી હવાથી પંખીનો ઓરડો ભરાઈ ગયો હતો. નવજીવનનો સંદેશો લઈને જાણે આકાશમાંથી શુક્રતારિકા પોતાનાં તેજકિરણો પંખીની પથારી ઉપર પાથરી રહી હતી.

સવાર પડી ત્યારે મૃત્યુ સાથેના દ્વંદ્વયુદ્ધમાં વિજય મેળવી પંખી ઘણે દિવસે જંપીને ઊંઘી ગઈ હતી. સવારે આઠ વાગે દાક્તર આવ્યા, ત્યારે જયા નીચે બાવાળા રસોડામાં ચાનું પાણી ગરમ કરતી હતી. કંચન બાના દેવઘરમાં બેઠેલી હતી. દરદીના ખંડમાં પંખી ઊંઘતી હતી. પાસેના ખાટલા ઉપર નરેશ જાગતો બેઠો હતો. તેના ખોળામાં માથું મૂકી દિનેશ ઊંઘી ગયો હતો. દાક્તરે ‘સબ સલામત’ની જાહેરાત કરી.

હજી બાનું રસોડું જ ચાલતું હતું. એક દિવસ નરેશ કહે: ‘હવે આ જ ક્રમ ચાલવા દઈએ.’ દિનેશ કહે: ‘બરાબર છે. ઘણાં કુટુંબો લડીને છૂટાં પડે છે. આપણે છૂટાં પડેલાં પાછાં અનોખાં બનીને રહીએ.’ પણ પંખીએ એ સૂચના સામે વાંધો નોંધાવ્યો.

બે ઘર, બે રસોડાં, બે માતાઓ અને પિતાઓની સમૃદ્ધિનો ઠાઠ કમી કરવાની તેની મુદ્દલ ઈચ્છા હતી નહિ. અને કંચન અને જયાએ પણ તેમાં સૂર પુરાવતાં કહ્યું: ‘હવે જે રીતે ભેગાં થયાં છીએ તે ક્યાંથી જુદાં પડી શકવાનાં છીએ? પણ અમને બન્નેને પોતપોતાના શોખ અને કોડ પ્રમાણે અલગ અલગ રસોડાં જ ચલાવવાની હોંશ છે. જે પ્રેમને તાંતણે બંધાયાં તે કાંઈ તૂટે એવો નથી.’ અને નિશાળની પ્રાર્થનામાં શીખવાયેલું ભજન પંખીએ ગાવા માંડ્યું: ‘સબસે ઊંચી પ્રેમસગાઈ.’

-વિનોદિની નીલકંઠ

4 thoughts on “બે માળાનું પંખી-ભાગ ૨

  1. રસસભર વાર્તા છે અને કદાચ ઘર ઘરની કહાની પણ. વિનોદીનીબેને પોતની આગવી શૈલીમા રજૂ કરી છે અને વાચકોને છેક સુધી પકડી રાખે છે.જે કામ નરેશ દિનેશની માતા ન કરી શક્યા તે કામ પંખી અને પંખીની બિમારી એ કરી બતાવ્યું અને ટુટેલા દિલોના તાર જોડી દિધા.

    મમત અને અહંનો ટ્કરાવ ગમે તેવા સંબંધોને કડવા બનાવી દે છે. દરેક ઘરમા પંખીની હાજરી નથી હોતી, કે દરેક દેરાણી જેઠાણી કંચન જયા જેવી સમજુ નથી હોતી. પણ લગભગ દરેક ઘરમા અહં ને કારણે વણસેલાં સંબંધો જરુર હોય છે.આપણે આપણા અહંને સમજીએ અને થોડું ઉદાર દિલ રાખીએ તો જીવનમા સંબંધોની મિઠાશ માણતા માણતા જીવન જીવવાની મજા જ કાંઇક અનોખી હોય છે. જેટલી માત્રામા હ્રુદયમાં પ્રેમ વધે છે તેટલી માત્રામાં સંબંધોની કડવાહટ ઘટે છે. અને જેટલિ માત્રામાં હ્રુદયમા પ્રેમ ઘટે છે તેટલી માત્રામાં સંબંધો માં કડવાહટ વધે છે. આ સનાતન નિયમ છે. મીઠાં સંબંધો નથી તો ભિતરમાં જરા જોઈ લેવું કે પ્રેમ કેટલો છે? ઘ્રુણા કેટલી છે? અને મીઠાં સંબંધો ઇચ્છતાં હો તો પ્રેમ વધારતાં જવું. સંબંધો આપોઆપ મીઠાશથી ભરાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *