મેઘદૂત-ઉત્તર મેઘ


‘હે વાદળ ! અલકાપુરીના ઊંચા ઊંચા મહેલો બધી રીતે તમારા જેવા છે. તમારી પાસે વીજળી છે, તો એ મહેલોમાં સ્ત્રીઓ રહે છે. તમારી પાસે ઈન્દ્રધનુષ, છે તો એ મહેલમાં રંગબેરંગી છબીઓ ટીંગાડેલી છે. તમે મીઠા સ્વરથી ગંભીર ગર્જના કરી શકો છો તો મહેલોમાં પણ સંગીતના સમયે મૃદંગ વાગે છે, તમારી અંદર આસમાની રંગનું જળ છે, જેનાથી તમે કાન્તિમાન છો, તો તે મહેલ નીલમ આદિ રત્નોથી જડેલાં હોવાથી કાન્તિમાન છે. તમે ઊંચાઈ પર હશો તો ત્યાંના ભવનો પણ ગગનચૂંબી છે’.

‘જુઓ મિત્ર, ત્યાંની કુળવધૂઓ હાથમાં કમળનાં ઘરેણાં પહેરે છે. વાળમાં, અંબોડામાં, કાનમાં અને સેથાંમાં જાતજાતનાં ફૂલો ગૂંથે છે. મોઢા ઉપર ફૂલોનો પરાગ મસળે છે. ત્યાં આગળ બારે મહિના ફૂલ આવે એવાં ઘણાંયે ઝાડ છે, જેના ઉપર ભ્રમરો મસ્ત બનીને ગણગણ કરે છે. હમેશાં ખીલે એવાં કમળ અને કમલિનીઓને હંસ ઘેરીને ફરે છે. ત્યાં આગળ હમેશાં ચમકે તેવા પાંખોવાળા પાળેલા મોર ઊંચું મોઢું કરીને રાતદિવસ ટહુક્યા કરે છે. ત્યાંની રાત  સદા પૂર્ણિમાના પ્રકાશથી દેદીપ્યમાન હોવાને કારણે ખૂબ જ પ્રિય અને મનોહર લાગે છે. તેઓ પ્રેમમાં જ રૂઠે છે અને કોઈ કોઈથી વિખુટું પડતું નથી. તેઓ સદાકાળ જુવાન જ રહે છે. ત્યાંની કન્યાઓ બહુ જ સુંદર છે. પોતાની મુઠીમાં રત્નો લઈને એમના સોનેરી વાળમાં સંતાડીને તેને ગોતવાની રમત રમ્યા કરે છે’.

‘હે વાદળી ! તમારાં જેવાં ઘણાંયે વાદળો હવાની લહેરો જોડે એવા ઊંચા ઊંચા મહેલો ઉપરના ખંડોમાં ઘૂસી જાય છે અને ત્યાંની દીવાલો પર ટાંગેલાં   ચિત્રોને પોતાના ફુવારાઓથી ભીંજવી નાંખે છે અને ત્યાર પછી ભયના માર્યા ઝરુખામાંની જાળીઓમાંથી સંતાતા, છુપાતા, ચૂપકીથી ભાગી જાય છે. ધુમાડાના જુદા જુદા આકાર બનાવવામાં તેઓ બહુ ચતુર છે. ત્યાંના લોકો ખૂબ વિલાસી છે. ત્યાં શૃંગારની બધી સામગ્રી એકલા કલ્પવૃક્ષમાંથી જ મળી રહે છે. ત્યાંના શામળા ઘોડા પોતાના રંગ અને પોતાની ચાલની સામે સૂરજના ઘોડાને પણ ગણકારે તેવા નથી. ત્યાંના હાથી પહાડ જેવા શરીર અને આકારવાળા છે. તે એવા પ્રકારે મદ વરસાવશે કે જે પ્રકારે તમે જળ વરસાવશો. ત્યાંના યોદ્ધાઓ એવા લડાયક છે કે જેમણે પોતાનાં બધાં ઘરેણાં ઉતારી દીધાં છે, કારણ કે તેઓ બધા ઘાનાં નિશાનોને જ ઘરેણાં સમજે છે જે તેમણે રાવણની જોડે યુદ્ધ કરતાં સમયે ચન્દ્રહાસ નામની તલવાર વડે પડ્યા હતા. ત્યાં કુબેરના મિત્ર શિવજી પણ છે’.

‘એ જ અલકાપુરીમાં કુબેરની ઉત્તરમાં મોટું ઘર છે. એનું દ્વાર ઈન્દ્રધનુષ્યના જેવું સુંદર અને ગોળ છે. એવું મારું ઘર તમને દૂરથી નજરે પડશે. એની પાસે એક નાનું કલ્પવૃક્ષ છે. એને મારી પત્નીએ પુત્રની જેમ પોષ્યું છે. ફૂલોના બોજાથી એ એટલું લચી પડેલું હશે કે તેની નીચે ઊભા રહીને કોઈ પણ માણસ હાથેથી ફૂલો તોડી શકે છે. જ્યારે તમે ઘરની અંદર જશો ત્યારે તમને એક વાવ મળશે. એનાં પગથિયાં ઉપર નીલમ જડ્યાં છે. એમાં વૈદૂર્યમણિ નામનાં અનેક સુંદર કમળો ખીલ્યાં હશે. એના જળમાં રહેવાવાળા હંસ એટલા સુખી છે જે તમને જોઈને તેઓ પાસે આવેલા માનસરોવર પર પણ જવાનું ભૂલી જશે’.

‘એ વાવના કાંઠા પાસે એક બનાવટી પહાડ છે. એનું શિખર નીલમણિનું બનેલું છે. ચારે તરફ સોનેરી કેળાથી ઘેરાયેલું હોવાથી એની છબી જોતાં વેંત જ થઈ જાય છે. દોસ્ત, એ પર્વત મારી પત્નીને બહુ જ પ્રિય છે. એટલે જ્યારે તમને જ વીજળીની સાથે હું જોઉં છું તો મારું મન ઉદાસ થઈ જાય છે અને મને તે પહાડની યાદ આવી જાય છે. આ બધું હું એકલો હોવાને કારણે જ થાય છે. એ બનાવટી પહાડ પાસે કુરબકનાં ઝાડથી ઘેરાયેલો માધવીમંડપ છે. એની પાસે બે વૃક્ષ છે. એક લાલ અશોકનું અને બીજું બોરસલ્લીનું’.

‘એ બન્ને ઝાડની વચ્ચે એક ચોકી છે જે નવા વાંસના જેવા ચમકતા મણિઓની બનાવેલી છે. એ ચોકીની ઉપર વળી એક ચોરસ પટ્ટી રાખવામાં આવી છે. એ પટ્ટી ઉપર સોનાની એક સેર રાખી છે. તમારો મિત્ર મોર રોજ સાંજે એના પર આવીને બેસે છે અને મારી પત્ની એને ઘુઘરાવાળા કંગન પહેરેલા હાથ વડે તાલ દઈને નચાવે છે’.

‘હે ભલા માણસ ! જો તમે મારાં બતાવેલાં આવાં ચિહ્નોને બરાબર ધ્યાનમાં રાખીને મારા બારણા પર શંખ અને પદ્મનાં બનાવેલાં ચિત્રો જોશો કે તરત જ તમે મારું ઘર ઓળખી કાઢશો. હવે તો હું ન રહેતો હોવાથી મારું ઘર બહુ જ સૂનું સૂનું અને ઉદાસ દેખાતું હશે, જેમ સૂર્યનો અસ્ત થવાથી કમળ ઉદાસ થઈ જાય છે. જુઓ, તમારે જલદીથી મારા ઘરમાં જવું હોય તો હાથીના બચ્ચાની જેમ નાના થઈ જશો અને રમવા માટે બનાવેલા પહાડનાં શિખરો પર બેસી જશો. પછી તમારી વીજળીની આંખો આગિયાની જેમ વારે વારે ચમકવશો અને મારા ઘરમાં જઈને બંધ કરી દેજો. ત્યાં આગળ તમને નાજુક ઝીણા દાંતવાળી, લાલ હોઠવાળી અને પાતળી કમરવાળી તથા ડરી ગયેલી હરણીની જેવી આંખોવાળી એક યુવતી નજરે પડશે. તે જ મારી પત્ની છે એમ સમજશો. તે બહુ જ સુંદર છે; માનો કે બ્રહ્માની ઊંચામાં ઊંચી કારીગરી છે. પણ હું ત્યાં ન રહેતો હોવાથી એનું રૂપ બદલાઈ ગયું હશે. તે જાણે હલેસાંથી મારેલી કમલિની જેવી લાગતી હશે. રાત અને દિવસ રોતી હોવાના કારણે એનાં નયન સૂજી ગયાં હશે. ચિંતાના કારણે ગાલ ઉપર હાથ મૂકવાથી અને મોઢા ઉપર વાળ આવી જવાથી એનું અર્ધું ઢાંકેલું મુખ જાણે વાદળાંઓથી ઢાંકેલા ચંદ્રની જેમ ફિક્કું અને ઉદાસ દેખાતું હશે. જુઓ, વાદળ, કાં તો તમે તેને મારી શુભ કામનાને માટે દેવતાઓની પૂજા કરતા દેખશો અથવા તો તે કલ્પનાથી મારું ચિત્ર બનાવતી હશે અથવા તો પિંજરામાં બેઠેલી મેના સાથે કંઈ વાતચીત કરતી હશે. અથવા તો હે ભાઈ ! તે મેલાં વસ્ત્રો પહેરીને પોતાનાં ખોળામાં વીણા રાખીને મારા નામનાં આંસુઓથી ભીંજાયેલી વીણાને જેમતેમ લૂછી લેશે; પણ જ્યારે મારી યાદ આવશે ત્યારે બેહોશ થઈ જશે કે વીણાના મેળવેલા તારોને ચડાવવા કે ઉતારવા પણ ભૂલી જશે. અથવા તો અમારા વિરહના દિવસથી તે દરરોજ ઉંબરા ઉપર જે ફૂલો મૂકતે હશે તે ધરતી ઉપર પાથરીને ગણતે હશે કે હવે મારા આવવાના દિવસો કેટલા બાકી રહ્યા’.

‘હે મિત્ર ! સંસારની ગડમથલમાં તે દિવસ તો ગમે તેમ વિતાવતી હશે, પણ રાત વિતાવવી તેને માટે બહુ જ કઠણ થઈ પડતી હશે. માટે તું મારો સંદેશો સાંભળી એને સુખી કરવા માટે અર્ધી રાત્રે મારા ઘરમાં ઝરૂખા આગળ બેસીને એને જોજે. તે વખતે તે અર્ધનિદ્રામાં ધરતી ઉપર પડી હશે. તેની સખીઓ તેની પાસે હશે. દુનિયામાં બધી સ્ત્રીઓ પોતાની સખીઓના દુ:ખના સમયે એમનો સાથ છોડતી નથી. તેથી થોડીવાર પલંગ પાસેની બારી પાસે રાહ જોશો. તેઓ જ્યારે સૂઈ જાય ત્યારે તમે મારે પત્ની પાસે જજો. તે બહુ દુ:ખી હશે. તે ધરતી પર ચત્તીપાટ પડી હશે અને આંસુ વહાવતી હશે. તેની એવી દશા જોઈને તમે પણ રડ્યા વગર રહેશો નહિ. બીજાનું દુ:ખ જોઈને એવા કોમળ હ્રદયવાળો કોણ છે કે જેનું મન કરુણાથી આર્દ્ર ન થઈ જાય’.

‘જે મેઘ ! તમે પહોંચશો એટલે તેનું ડાબું નેત્ર ફરકવા લાગશે. પણ જો તે સમયે તે સૂતી હોય તો તમે શાંત બેસી રહેજો. એને ઉઠાડશો નહિ. પણ જુઓ, એક પહોર તમે બેસી રહો અને તો પણ તે આંખો ન ઉઘાડે તો તમે તમારા જળથી ઠંડા કરેલા પવન વતી તેને જગાડશો. જ્યારે એ તમને છજામાંથી એકીટશે જુએ ત્યારે તમે વીજળીની જેમ લપાઈને તેની સાથે વાત કરશો. તમારે એને કહેવું, ‘હે સૌભાગ્યવતી ! હું તમારા પતિનો પ્રિય મિત્ર મેઘ છું. તમારી પાસે એમનો સંદેશો લઈને હું આવ્યો છું’. એ સાંભળીને તે તમારી સામે જોઈને બહુ જ પ્રેમથી, પ્રસન્નતાથી અને આદરથી મારો સંદેશ એવી રીતે સાંભળશે કે જેમ સીતાજીએ હનુમાનજીની વાતો સાંભળી હતી ! પ્યારા દોસ્ત ! તમારે એમ કહેવું, ‘તમારા પતિ રામગિરિ આશ્રમમાં કુશળ છે અને તમારા કુશળ સમાચાર જાણવા આતુર છે. જેના પર અચાનક વિપત્તિ આવી ગઈ છે, એને આમ જ કહેવું યોગ્ય છે. એને કહેવું કે બ્રહ્માએ એમનો માર્ગ રોકી રાખ્યો છે, તે તને મળી નહિ શકે. તારા વિયોગથી બહુ દુ:ખી છે અને તે જાણે છે કે તું પણ તેવી જ રીતે દુ:ખી હશે. તું ખૂબ દૂબળી થઈ ગઈ હશે. ખૂબ રોતી હશે. તે તને ચોવીસે કલાક યાદ કર્યા કરે છે પણ આંખમાં આંસુ આવી જવાથી કંઈ જોઈ શકતો નથી. તે મનમાં ને મનમાં એક જ કામના કર્યા કરે છે કે કોઈ પણ પ્રકારે રાતના ત્રણ લાંબા પ્રહરો એક ક્ષણની જેમ નાના થઈ જાય, પરંતુ એ બધી પ્રાર્થના વ્યર્થ થઈ જાય છે’.

‘તમારે એને કહેવું, મારો જીવ ઊંડો ઊંડો જતો રહે છે. તો પણ હું વિચારીને જીવ સાથે માંડવાળ કરું છું. તું પણ બહુ દુ:ખી થઈશ નહિ. દુ:ખ અથવા સુખ સદાયે રહેતાં નથી. એ તો પૈંડાના ચકકરની જેમ ફર્યા કરે છે. જો, આવતી દેવઊઠી એકાદશીને દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા ઉપરથી ઊઠશે ત્યારે મારો શાપ પણ પૂરો થશે. એટલા માટે હવે બાકી રહેલા ચાર મહિનાઓ આંખ મીંચીને જેમ તેમ કરીને વિતાવી કાઢશો. ત્યાર પછી આપણે તો મળીશું જ. લોકોના કહેવાથી મારા પ્રેમ વિષે કોઈ પણ જાતની શંકા તારે લાવવી નહિ. કોણ જાણે લોકો એમ કેમ કહેતા હશે કે વિરહમાં પ્રેમ ઓછો થઈ જાય છે ! સાચી વાત તો એ છે કે જ્યારે મનમાં જોઈએ તે વસ્તુ મળતી નથી ત્યારે તે મેળવવા માટેની ઝંખના બહુ વધે છે અને તે મેળવવા માટે બધો પ્રેમ ભેગો થઈ જાય છે’.

‘વાદળ ! જુઓ, તમારી દુ:ખી ભાભીને આવી રીતે દિલાસો દઈને તેના ખુશીખબર જાણી લઈને અને તમે મળ્યા છો એની ખાતરી લઈ આવીને મારી પાસે આવશો અને મારા પ્રાણનું રક્ષણ કરશો. તમે મારું આ કામ કરશો ખરું ને? મારા વહાલા ભાઈ ! હું આવું પૂછું છું એટલા ઉપરથી તમે એમ ન માની બેસશો કે તમારી પાસેથી ‘હા’ પડાવ્યા પછીથી તમને આ કામ માટે યોગ્ય નથી સમજતો. ના હું જાણું છું કે જ્યારે ‘ચાતક’ તમારી પાસે પાણી માગે છે ત્યારે તમે જવાબ આપ્યા વગર જ પાણી આપો છો. સજ્જનોની આ જ રીત છે કે જ્યારે તેમની પાસે કોઈ માંગે છે ત્યારે તેઓ મોઢેથી કાંઈ કહેતા નથી. એનું કામ પૂરું કરી આપે છે. હે મેઘ ! અગર જો મારી પ્રાર્થના અનુચિત હોય તો પણ મિત્રના સંબંધથી અથવા મારા પર દયા લાવીને પણ મારું આ કામ પહેલું કરી આપજે, પછી તારે તારું વરસાદનું રૂપ લઈને ઈચ્છા આવે ત્યાં ફરજે. હું એટલું જ ઈચ્છું છું કે તમારી વીજળી તમારાથી કોઈ દિવસ અલગ ન થાય !’

યક્ષની આ વાતો સાંભળીને પોતાની ઈચ્છાનુસાર રૂપ બદલી શકે એવું આ વાદળું રામગિરિ પર્વત ઉપરથી ઊપડયું. ક્યારેક પર્વતો ઉપર, ક્યારેક નદીઓ પાસે તો ક્યારેક શહેરોમાં વિશ્રામ કરતું થોડા દિવસોમાં જ અલકાપુરી જઈ પહોંચ્યું. બતાવેલાં ચિહ્નો જોઈને યક્ષનું સોના જેવું ચળકતું ઘર શોધી કાઢ્યું. અંદર જઈને એણે જોયું તો યક્ષની સ્ત્રી બિચારી ધરતી ઉપર પડી હતી. એ જોઈને સર્વનું ભલું ઈચ્છનારા એવા ભલા મેઘે તેનો પ્રાણ બચાવવા માટે એના પ્યારા પતિનો મધુર સંદેશ એને સંભળાવ્યો. પોતાના પ્યારા પતિના કુશળ સમાચાર સાંભળી યક્ષની પત્નીના હૈયામાં આનંદ ન સમાયો. એને ખૂબ શાંતિ વળી. ખરેખર સારા માણસોને કામ સોંપીએ તો એ અવશ્ય પૂરું કરે છે.

અહીં યક્ષોના રાજા કુબેરે પણ જ્યારે આ સંદેશની વાત સાંભળી ત્યારે તેના મનમાં બહુ જ દયા ઊપજી. એનો ક્રોધ ઊતરી ગયો અને એનો શાપ પાછો ખેંચી લઈને બન્ને જણાંનો મિલાપ કરી દીધો.

આવા મિલનથી એનાં બધાં દુ:ખો દૂર થઈ ગયાં અને તેઓ પહેલાંની જેમ પ્રસન્નતાથી રહેવા લાગ્યાં એટલું જ નહિ પણ કુબેરે એવો પ્રબંધ કરી આપ્યો કે ફરી પાછું ક્યારેય પણ દુ:ખ એમની પાસે ફરકે પણ નહિ !

2 thoughts on “મેઘદૂત-ઉત્તર મેઘ

  1. આપણા મહાન સાહિત્યનો આ રીતે રસાસ્વાદ કરાવવા બદલ આભાર. હવે હંમેશા અપેક્ષા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *