ચકલી ગીત

By heenaparekh  

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના

બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો

ચકલીની માફક નવાય છે ના… રે… ના

ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને

વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,

સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું

પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.

પૂર્વાપર સંબંધો ચકલીને કન્યાના બંધાયા કઈ રીતે ? એવું

કંઈ કોઈને પૂછાય છે ના… રે… ના

ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે

બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે

ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી

શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?

સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની પાંખોથી,

ચકલીને ભાગી શકાય છે ના… રે… ના

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના

.

(નયન દેસાઈ)

Share

3 Comments

  1. Mukund Joshi
    Posted August 2, 2010 at 11:45 am | Permalink | Reply

    આભાર હીનાબેન, નયનભાઇના આવા સુંદર ગીતને માણવાની તક આપવા બદલ.
    નયન દેસાઇ ને ખુબ ખુબ અભિનંદન !

  2. Posted August 2, 2010 at 12:24 pm | Permalink | Reply

    મે નયનભાઇ જોડે આ ગીત સાંભળેલું છે એ સ્મૃતિ ફરી તાજી થઈ.
    સલામ એ માણસ ઉર્ફે નયનભાઈ દેસાઈ ને !

  3. Posted August 2, 2010 at 11:44 pm | Permalink | Reply

    Very nice song….

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME