દરેક સમય ખંડમાં જાણે કે સીતા જીવે છે…
અને ઈતિહાસને અવગણીને શ્વાસ લઈ રહી છે દ્રૌપદી પણ…
બરછટ સમય ખોતર્યા કરે છે
ક્ષણોની છીણી વડે અનુભવોને.
સંવેદના મૃત્યુ પામી રહી હોય છે ધબકતી ત્વચાની ભીતર.
ને છતાં અનુભવો પદ્દચિહ્ન છોડી જાય છે પાળિયાની જેમ…
સમયની દીવાલનો ટેકો લઈને ઊભી છે પણે દ્રૌપદી…
સ્નેહ-સમજણ-સુરક્ષા-શાંતિ
અને સ્વમાનભેર કરાયેલો અસ્તિત્વનો સ્વીકાર !
બસ-
ફક્ત પાંચ આંગળીનાં ટેરવામાં ગણી શકો એટલી જ અપેક્ષા…
અને કચકચાવીને મુઠ્ઠીમાં બંધ રહી ગઈ એક વાત…
માટલાનાં ખાલીખમ્મ ગર્ભની શૂન્યતા પડઘાયા કરે છે સનાતનકાળથી…
શાશ્વતી પડઘાતી રહી યુગોથી…
નિવારણ શોધતી રહી હોવાપણાનું…
ગોરંભાતા આભ જેવા ઝળૂંબતા પ્રશ્નો…
કોહવાયા કરે છે કાળનાં ગર્ભમાં સીતાનું મૌન…
અથડાયા કરે છે આકાશી અસીમ શૂન્યતામાં દ્રૌપદીનો ચિત્કાર!!!
કોણ બને મારો અવાજ…!!!
કોણ કએ મારી ઓળખ…!!!
.
( રેખાબા સરવૈયા )
Pingback: Tweets that mention સીતાનું મૌન-દ્રૌપદીનો ચિત્કાર ! – મોરપીંછ -- Topsy.com
અદભુત.. એક એક શબ્દોની ગહનતા, સંવેદના અદભુત રચના. ખૂબ જ હ્રદયસ્પર્શી..