ધાર-ધુબાકા અણીઓ અડખે બેઠો છું.
પરબ માંડીને પબની પડખે બેઠો છું
પબમાં આવે છત્તરધારી, ખપ્પરધારી, લખમીજાયા ખુરસીજાયા થઈ રઘવાયા !
હૂંસાતૂંસી, કાનાફૂંસી, ભૂંસા-ભૂંસી, મૂછા-મૂછી એક એકથી હોય સવાયા.
ખદબદતી માખોની વચ્ચે બેઠો છું
આછી-ઝીણી ઝરણી લઈને બેઠો છું ……પરબ માંડીને.
.
મૂકે નસ્તર, ધરતી અસ્તર, ઉપર બખ્તર, ભેટ પ્રમાણે આશિષ દેતી ‘ખાસ’ કથા છે;
સુખવાસી સૌ છાકમછોળે, ઝાકમઝોળે, ચંદન ચોળે જુગ જુગ જૂની વ્યાસ-પ્રથા છે
નથી કોઈની નજર કેમ હું બેઠો છું ?
બાકી તો હું બુટ્ટી લઈને બેઠો છું ……પરબ માંડીને.
.
તત્વ ફત્વની મારામારી, ધરમકરમની ધક્કાબારી નથી વાદના ખૂંટા;
લોક-લ્હેકથી શી હવા, છાંયડો જરી પંજરી, ઠાર્યાં જળ ભર માણસાઈના ઘૂંટા
કેસર લઈને ન્હોર કાપવા બેઠો છું
પ્રેમ-કલ્પનો રોપ ચોપવા બેઠો છું ……પરબ માંડીને.
.
( પ્રતાપસિંહ હ. રાઠોડ ‘સારસ્વત’ )
હિનાબેન,
કેટલી કણિકાઓ હમણાંજ મગજમાં ફૂટી છે…
“ફરતા શબ્દો લઇ આવે સંબંધ સુગંધોની,
પીવડાવે અમૃતસમી સંવેદના પ્યાલે પ્યાલે
ખોબો ભરી અમેય બેઠા છે…પરબ બાંધી!