રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં
રાણાજી અમે ટહુકાતી પીડાની જાતનાં
.
આંખે ઊઘડે છે હવે સૂની સવાર
અને ડાળે ગુલાબ કેરો ગોટો
મંદિરની ઝાલરનાં મોતી વીણાય નહીં
લટકાવી કાનજીનો ફોટો
રાણાજી અમે ખળખળતાં ઝરણાંના પ્રાંતના
રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં
.
જંગલમાં જેમતેમ ઊગ્યા છે થોર
એમાં વાંસળીના સૂર કેમ ભાળું
ખુલ્લાં મેદાન મને તેડાવે રોજરોજ
ક્યાં લગ હું કહેણ એનાં ટાળું ?
રાણાજી અમે ટળવળતાં હરણાંને જાતનાં
રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં
.
ગઢ રે ગિરનાર તણી ટોચે ચડીને
અમે સળગાવ્યાં ઈચ્છાનાં તાપણાં
પાણી વચાળ રહ્યાં કોરા તે આજ
અમે પાણીને થઈ ગ્યાં અળખામણાં
રાણાજી અમે તરતા એક તરણાની ભાતનાં
રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં
.
( મધુમતી મહેતા )
સરસ ગીત…મજા આવી
અભિનંદન મધુમતીબેન..
સપના
very good geet written by DR.Madhumatiben
મધુમતીબહેનમાં પણ મીરાંપણું પ્રમાણવા મળ્યું. સરસ ગીત.મેવાડના રાજમહેલમાં હોય તોય હૃદયના વૃંદાવનમાં તો મીરાંપણું ક્યાંક ટહુકતું જ હોય છે.