ખૂબ સંભાળજે – ‘પ્રણય’ જામનગરી

ધૂપ છે છાંવ છે, ખેંચ છે તાણ છે, ખૂબ સંભાળજે

છે અજાણી જગા, શખ્સ અણજાણ છે, ખૂબ સંભાળજે.

.

કંઈક આ પાર છે, કંઈક એ પાર છે, એ જ છે આપણું,

રાખની છે રમત, લાખની લહાણ છે, ખૂબ સંભાળજે.

.

છે સમય કૈં અલગ, છે નસીબ કૈં અલગ, છે દશા કૈં અલગ,

એનું એ તીર છે, એનું એ બાણ છે, ખૂબ સંભાળજે.

.

ધૂળ ઢંકાયેલો, સાવ ઝંખાયેલો, જાણે પીંખાયેલો,

આભમાં ક્યાંક એ, એનો એ ભાણ છે, ખૂબ સંભાળજે.

.

સહેજ લથડે ચરણ, તો અહીં છે મરણ, વાત નક્કી જ એ,

માણસો ખીણ છે, માણસો ખાણ, છે ખૂબ સંભાળજે.

.

આ તો દરિયો ‘પ્રણય’, દે ડૂબાવી બધું; શેષ કૈં ના બચે !

આંધી-તોફાન છે- જર્જરિત વ્હાણ છે, ખૂબ સંભાળજે.

.

( ‘પ્રણય’ જામનગરી )

3 thoughts on “ખૂબ સંભાળજે – ‘પ્રણય’ જામનગરી

  1. ખૂબ સુંદર રચના. આપણે વારંવાર આ જગતમા આવીએ છીએ, વારંવાર અસાવધાનીને કારણે ઠોકરો ખાઈએ છીએ. એનુ એ જ તીર, એનુ એ જ બાણ, એનો એ જ ભાણ, છતાં બધું અજાણ છે નવા જન્મની સાથે. જરા સરખી પણ અસાવધાની ને અને પાછા હતાં ત્યાં ને ત્યાં દ્વંદની રમતમાં. માણસ ખીણ પણ અને ખાણ પણ છે. જીવતાં આવડી જાય તો આ જ જીવનામાં ખાણમાંથી બહુમૂલ્ય હીરાનો ખજાનો હાથ લાગી જાય, અને જીવતાં ન આવડે તો ખીણની ગર્તામાં ઠેઠે નીચે ઉતરી જવાય. તલવારની ધાર પર ચાલવા જેટલી સાવધાની ની જરુર છે.
    ખૂબ સુંદર ભાવ સાથે રજુઆત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *