http://heenaparekh.com/2011/02/12/samjay-to-saru/
ઈશારો મૂક પથ્થરનો, તને સમજાય તો સારું.
સવેળા અર્થ ઠોકરનો, તને સમજાય તો સારું.
.
જગતની રંગભૂમિ પ,ર તમાશો જિંદગીનો છે,
મજાનો ખેલ ઈશ્વરનો, તને સમજાય તો સારું.
.
વધારો થાય માત્રાનો, પછી હર ચીજ બૂરી છે,
ટકોરો છે ખરેખરનો, તને સમજાય તો સારું.
.
સુનામી રૂપ લૈ કાં બંધનો તોડ્યાં કિનારાએ….?
બળાપો સાત સાગરનો, તને સમજાય તો સારું.
.
ન જાણે મોત કેવું રૂપ લઈને આવશે તારું,
હશે કિસ્સો ઘડીભરનો, તને સમજાય તો સારું.
.
લખી છે વાત દિલની મેં અહીં બેચાર ગઝલોમાં,
ઝુરાપો જિંદગીભરનો, તને સમજાય તો સારું.
.
( બી. કે. રાઠોડ )



2 Comments
ખુબ સુંદર રચના હિનાબેન…
રચના તો સુંદર છે. પણ “તને” ની જગ્યાએ મને મૂકવાની જરુર લાગી. “તને” થોડી ગેરસમજ ઉભી કરે છે. “તને” કહીએ એટલે એમ લાગે કે આ બોધ વચનો મારા માટે નથી પણ અન્ય માટે છે. ઘણી બધી વાતો આપણને ખબર છે પણ સમજાતી નથી. બસ સમજાઈ જાય તો બેડો પાર. પણ સમસ્યા એ છે કે આપણી દૃષ્ટિ સદા બીજાપર હોય છે આપણે આપણી જાતને જોઈ શકતા નથી. આપણે આપણી જાતને જોતાં થઈએ એટલે જીવનમાં ઊદ્વગતી શરુ થાય છે. એને આજની ભાષામાં ધ્યાન કહે છે.