થાતો જાઉં છું – વેણીભાઈ પુરોહિત

આશકોની આહની અંગૂર ખાતો જાઉં છું,

પ્યારમાં ને પ્યારમાં મન્સૂર થાતો જાઉં છું.

.

એ હથેળીમાં હિનાની મુશ્કરાહટ લાલ-લાલ !

મનનો હું મજબૂત પણ મજબૂર થાતો જાઉં છું.

.

આફતોના આફતાબી દોરમાં દાઝી મરું,

લૂ ઝરે છે તો ય હું લેલૂર થાતો જાઉં છું.

.

તું નથી કહેતી કે, ‘મારા પ્યારનું તું ગીત ગા-‘

તેથી હું બદનામ ને બેસૂર થાતો જાઉં છું.

.

તારા ઈન્કારોથી મારા જખ્મ દૂઝે છે ડબલ !

પ્યાર કહે છે : ‘પોશમાંથી પૂર થાતો જાઉં છું.’

.

એક પાછળ એક અરમાનોની હિજરત થાય છે

જિન્દગીનો શેઠ હું મઝદૂર થાતો જાઉં છું.

.

ભાંગની બરફીની માફક બોલ કેફી બોલ મા-

ચાખું છું લગરીક, ચકનાચૂર થાતો જાઉં છું.

.

રાગ સાંભળવો નથી, ને આગ ઓલવવી નથી,

વેદનાની વાંસળીનો સૂર થાતો જાઉં છું.

.

આપણી આ અલવિદાનાં આંસુઓ લે સાચવી,

કોકના સેંથાનું હું સિન્દૂર થાતો જાઉં છું.

.

દર્દ મર્દોમાં વસે છે, કાયરો ને શી ખબર ?

ખુદકુશી કરતો નથી, ખુદ ક્રુર થાતો જાઉં છું.

.

ઈલ્મી આંગળીઓની વચ્ચે ઠોઠ અંગૂઠા સમો-

દિલરુબાની પાસ આવી દૂર થાતો જાઉં છું.

.

બૂરી નજર તો ભલી બેચેનની બળતી નજર,

તારી સામું જોઈને મશહૂર થાતો જાઉં છું.

.

( વેણીભાઈ પુરોહિત )

Share this

2 replies on “થાતો જાઉં છું – વેણીભાઈ પુરોહિત”

  1. શબ્દો નથી મારી પાસે કંઈજ કહેવા માટે…

  2. શબ્દો નથી મારી પાસે કંઈજ કહેવા માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.