વાદળ બનીને વરસો – કૈલાસ અંતાણી

By heenaparekh  

કોરીધાકોર મારી આંખોમાં ધોધમાર

વાદળ બનીને તમે વરસો

રોમરોમ વાંસળીનો સૂર બની જાય તેમ

હળવે રહીને તમે પરસો.

.

વરસોથી માંડેલી મીટ જેમ જીવતરના

એક એક બિંદુને તાકું

રસ્તાઓ દૂર દૂર લંબાતા થાય અને

ઘરમાં બેઠેલી હું થાકું

રસ્તાની ધૂળ પણ વાદળ થઈ જાય

તમે પાંપણને પલકારે ઢળશો ?

રોમરોમ વાંસળીનો સૂર બની જાય એમ

હળવે રહીને તમે વરસો.

.

પગલાંની અમથી જ્યાં આહટ સંભળાય

હું તો સૂતી નીંદરમાંથી જાગું

આગિયાના ઝબકારા ભાળીને સૂરજનું

કિરણ એકાદું હું માગું

વરસોથી અણછીપી વાવ જેવી મારામાં

યુગયુગની ફેલાતી તરસો

રોમરોમ વાંસળીનો સૂર બનીજાય તેમ

હળવે રહીને તમે પરસો.

.

( કૈલાસ અંતાણી )

Share

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME