ક્યાં લગી – યામિની ગૌરાંગ વ્યાસ

ક્યાં લગી એકાંતથી ડરતાં રહીશું આપણે ?

ભીડની મરજાદમાં મળતાં રહીશું આપણે ?

.

પૂર આવે લાગણીઓનું અહીંથી ત્યાં સુધી

ક્ષેત્રફળ માપીને ખળખળતાં રહીશું આપણે ?

.

વાદળી બંધાય ઉરમાં સંઘરેલાં શ્વાસથી

માવઠાંની જેમ ઝરમરતાં રહીશું આપણે ?

.

પાધરો ક્યાં છે કોઈ પગરવ કે પહેચાની શકો

એકબીજાને સતત છળતાં રહીશું આપણે ?

.

નાવ હંકારી હતી સામા પ્રવાહોમાં છતાં

છેક કિનારે જ ડગમગતાં રહીશું આપણે ?

.

લીલ ઊગી નીકળે ઘેરાયેલાં પાણી મહીં ?

અંદરોઅંદર નડી સડતાં રહીશું આપણે ?

.

ઠાવકું મન તો ઉખાણાનું ઉખાણું થૈ રહે

જાત સાથે કેટલું લડતાં રહીશું આપણે ?

.

( યામિની ગૌરાંગ વ્યાસ )

Share this

4 replies on “ક્યાં લગી – યામિની ગૌરાંગ વ્યાસ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.