પાર પહોંચીને – ભરત યાજ્ઞિક

By heenaparekh  

પાર પહોંચીને પ્રવાહિત થઈ જશું

પુલકમાં પ્રગટીને પુલકિત થઈ જશું

.

ક્યાં જરૂર છે અસ્ત્રની કે શસ્ત્રની ?

માત્ર દ્રષ્ટિ ફેંક ખંડિત થઈ જશું !

 .

હાથમાં મેં સાચવ્યા હસ્તાક્ષરો

સ્પર્શતાં અક્ષરમાં અંકિત થઈ જશું

 .

ઓળખાણો આ અભાગી જીવને

નેતિના નાતે પરિચિત થઈ જશું

 .

તું વિભક્તિ સાત છોડે, તો જરૂર

માત્ર સંબોધે સંબંધિત થઈ જશું

 ,

ઉત્ખનન કર મારા તું અવશેષને

જર્જરિત રૂપેય શોભિત થઈ જશું

 .

બૂમ પાડી તો સ્મરણ હાજર થયાં

યાદ કર અમને તો ગ્રંથિત થઈ જશું

 .

એ જ તો આપણી અસ્ક્યામતો

વેદના વેચો તો વંચિત થઈ જશું

 .

( ભરત યાજ્ઞિક )

Share

2 Comments

  1. Posted July 11, 2011 at 11:33 am | Permalink | Reply

    શ્રી ભરત યાજ્ઞિક જેવી ગુણીયલ શખ્સિયતના જ્ઞાનની માવજત વડે સંપૂર્ણ નિખાર પામી છે ગઝલ….
    એમાંય,
    જર્જરિત રૂપે ય શોભિત થઈ જવાની વાત જ એક અલગ અસર જન્માવી ગઈ..

  2. Posted July 12, 2011 at 7:39 pm | Permalink | Reply

    वोह लैला मजनू की हो मोहब्बत, के शिरी फरहाद की हो उल्फत,
    ज़रा सी तुम जो दिखाओ हिम्मत तो हम उन जैसा नाम कर ले…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME