મારા દિલમાં – શૈલા પંડિત

૧૩.

હે ઈશ્વર,

અત્યારે મારા દિલમાં

એક પ્રવાહ વહી રહ્યો છે.

મેં જે નિર્ણય કર્યો છે

તે શ્રેષ્ઠ જ છે

એમ મારું અંત:કરણ કહે છે.

અને, એ સંદેશમાં મને ઈતબાર છે.

કારણ કે,

મારું અંત:કરણ આ ક્ષણે

સ્વચ્છ ને નિર્મળ છે

એ હું સમજી શકું છું.

 .

સમસ્યાઓ જેમ જેમ આવતી રહે

તેમ હું તેનો ઉકેલ કરી શકીશ

એવી મને શ્રદ્ધા છે.

જે પડકારો આવતા રહે

તેમને સ્વસ્થ ચિત્તે ઝીલતો રહીશ

એવો મને વિશ્વાસ છે.

મારે કોઈ બાબતનો ડર રાખવાનો હોય નહિ,

કારણ કે,

મને તારો સથવારો છે.

એ અંગે મને કોઈ શંકા નથી.

‘જ્યારે ઈશ્વર મારે પડખે છે ત્યારે

મારી વિરુદ્ધ શું નીવડી શકે?’

-એવી ઊંડી ઊંડી લાગણી સાથે

હું આગળ વધતો રહું

એ સિવાય મારે તારી પાસે કોઈ અપેક્ષા નથી.

 .

૧૪.

હે ઈશ્વર,

મેં તને હંમેશ મારો સધ્યારો માન્યો છે.

કારણ કે,

તું મારા માટે એવો પ્રકાશ છે કે

જે કદી વિલાતો નથી !

 .

તું મારે માટે એવા કર્ણ છે કે

જે કદી દેવાતાં નથી !

 .

તું મારે માટે એવાં ચક્ષુ છે કે

જે કદી બિડાતાં નથી !

 .

તું મારા માટે એવું મન છે કે

જે કદી નિરાશ થતું નથી !

 .

તું મારે માટે એવું હૈયું છે કે

જે કદી હતાશ કરતું નથી !

 .

તું મારે માટે એવો હાથ છે કે

જેની આંગળી ઝાલવા ઈચ્છા કરી હોય

ને એ હાથ કદી લંબાયો ન હોય !

.

( શૈલા પંડિત )

2 thoughts on “મારા દિલમાં – શૈલા પંડિત

  1. શૈલા પંડિત ની ખૂબજ સરસ રચના રૂપી પ્રાર્થનાઓ છે, જો આમાંથી કશુક પણ જીવનમાં ઉતારી અને ઈશ્વર પાસે સમર્પણ ની ભાવના કેળવી તે જ સર્વસ્વ છે તેમ સમજીએ અને નક્કી થઇ જાય તો… જીવનમાં આવતી દરેક સમસ્યાઓ હળવી થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.