આજે મારું મન – શૈલા પંડિત

૨૧.

આજે મારું મન

કડવાશથી ભરાઈ ગયું છે, પ્રભુ !

મેં જે ધાર્યું હતું તે કરતાં

સાવ ઊલટું જ બનવા પામ્યું છે.

 .

મારી કલ્પનાય નહોતી તેવા લોકોએ

મને નિરાશ કર્યો છે, હતાશ કર્યો છે.

મારું મન દુભાયું છે.

તેથી કટુતાએ

મારા મનનો કબજો લઈ લીધો છે.

 .

એ આઘાત અને વ્યથા

જીરવવામાં મને સહાય કર.

આ અનુભવને નિમિત્તે

તારામાં અશ્રદ્ધા ન થઈ આવે તે સારુ

તારી પાસે ધૈર્યની માગણી કરું છું.

હું એટલું સમજું છું કે

લોકોએ કઈ રીતે વરતવું એ

તેઓ પોતે નક્કી કરે છે,

એમાં તારો કોઈ દોષ ન હોઈ શકે.

 .

તો, મારા મનમાં જન્મેલી

ધિક્કાર ને ઘૃણાભરી લાગણી મંદ પાડી દેવામાં

મને સહાય કર.

લોકોમાં મારો વિશ્વાસ ટકે કે ન ટકે

તારામાં રહેલી શ્રદ્ધા ખોઈ ન બેસું

એટલી એષણા પૂરી કર.

 .

૨૨.

હે ઈશ્વર,

જીવનના નિરીક્ષણમાંથી

મેં એક વાત સમજી લીધી છે.

કોઈ માણસ,

સતત ને સતત સફળ થતો જ રહે એવું પણ નથી.

તો કોઈ માણસ,

સતત નિષ્ફળતાને વર્યા કરે એવું પણ નથી.

સફળતા ને નિષ્ફળતા

ઘટનાચક્ર રૂપે સતત ફરતાં રહે છે.

 .

મેં એ પણ જોયું છે કે,

દરેક સફળ માણસ

સફળ થતાં પહેલાં

નિષ્ફળતાની કેટલીક પછડાટ ખાતો હોય છે.

એ પછડાટ જ

તેને સફળ થવા માટે

વિશેષ અનુભવ ને બળ ઊંઝતાં રહે છે.

તેથી નિષ્ફળતાને

મેં નવા દ્રષ્ટિકોણથી મૂલવવા માંડી છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ થતો નથી કે,

હું નિષ્ફળ સાબિત થયો છું.

તેનો અર્થ એ થાય છે કે,

હું હજી સફળતા લગી પહોંચ્યો નથી.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે,

મેં કશું સિદ્ધ કર્યુઁ નથી.

પણ એનો અર્થ એ થાય છે કે,

હું કેટલીક નવી નવી બાબતો શીખ્યો છું.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે,

હું બુદ્ધિમંદ છું.

તેનો અર્થ એ થાય છે કે,

સફળ નીવડવા માટે

મારે મારી બૌદ્ધિક શક્તિ

હજી સુપેરે લડાવવાની છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે,

તેથી મને કાળી ટીલી લાગી છે.

તેનો અર્થ એ થાય છે કે,

મારે હજી નવતર પ્રયોગોની અજમાયેશ કરવાની છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે

મારે મારી યાત્રા અહીં ને અહીં થંભાવી દેવાની છે.

તેનો અર્થ એ થાય છે કે,

મારા પૂર્વ અનુભવોને આધારે

સાફલ્યપથની નવી કેડીઓ કંડારી કાઢવાની છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ થતો નથી કે,

તેં મારો સાથ ત્યજી દીધો છે.

એનો અર્થ એ થાય છે કે,

તું મને નવે રસ્તે સફળતા અપાવવા ઈચ્છે છે.

.

( શૈલા પંડિત )

 

 

Share this

5 replies on “આજે મારું મન – શૈલા પંડિત”

  1. આદરણીયશ્રી. હીનાબેન

    સુંદર પ્રાર્થના

    અનેક નિરાશાઓમાં અનેક આશાઓ

    છુપાયેલ છે.

  2. આદરણીયશ્રી. હીનાબેન

    સુંદર પ્રાર્થના

    અનેક નિરાશાઓમાં અનેક આશાઓ

    છુપાયેલ છે.

  3. આદરણીયશ્રી. હીનાબેન

    સુંદર પ્રાર્થના

    અનેક નિરાશાઓમાં અનેક આશાઓ

    છુપાયેલ છે.

  4. હિનાબેન,

    એ હકીકત છે કે આપણામાં રહેલી કડવાશ ને સતત કોશીશ દ્વારા ઓછી કરવાની છે અને તેને ન્યુનતમ કરવી જરૂરી છે, સાથે અનેક નીરાશાઓમાં સદા અનેક આશાઓ તો સમાયેલી હોય છે…

    સુંદર પ્રાર્થના …

  5. હિનાબેન,

    એ હકીકત છે કે આપણામાં રહેલી કડવાશ ને સતત કોશીશ દ્વારા ઓછી કરવાની છે અને તેને ન્યુનતમ કરવી જરૂરી છે, સાથે અનેક નીરાશાઓમાં સદા અનેક આશાઓ તો સમાયેલી હોય છે…

    સુંદર પ્રાર્થના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.