તારી એક એક વાતમાં કમાલ રે,
અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે.
તું નીરખે ત્યાં ઊડે ગુલાલ રે,
અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે.
.
ઝાકળની પાંદડીમાં હૈયું ગૂંથીને પછી ઝળહળતો દીધો આ દેહ રે !
પાંપણ ખોલીને જરા મધમીઠી જનનીની નજરેથી પીવડાવે નેહ રે !
તારી કીકીમાં ટહુકે છે વ્હાલ રે,
અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે.
.
મ્હેંદી મુકાય એમ ધૂળની હથેળીમાં મૂકી દે પગલીની ભાત રે !
લીલાંછમ ગીતોનાં લીલાંછમ સપનામાં ઊઘડે છે લીલીછમ વાત રે !
તારી કેવી આ મ્હેક ભરી ચાલ રે,
અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે.
.
ઝરણાંઓ આવીને નવડાવી જાય પછી સૂરજ પણ આંજી દે તેજ રે !
દરિયાનાં મોજાંઓ હાલરડાં ગાઈ ગાઈ હીંચકો નાખીને જાય સહેજ રે !
આખો અવસર થઈ જાય માલામાલ રે,
અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે.
.
( કૃષ્ણ દવે )
મીઠી ઊંઘ આવી જાય એવી સુમધુર શબ્દાવલિનુ જાણે ઘોડિયુ છે આ તો..
“દરિયાના મોજાઓ હાલરડા ગાઇ ગાઇ હિંચકો નાંખીને જાય સ્હેજ રે…”
મહેંદી મુકાય એમ ધૂળ ની હથેળીમાં મૂકી દે પગલીની ભાત રે…!!!
આવી મહેંદી હું મૂકી આપું?