તારી કને – રવીન્દ્રનાથ ટાગોર

તારી કને આ મારું છેલ્લું નિવેદન છે

મારા અંતરતમ ઊંડાણમાંથી મારી સઘળી દુર્બળતા

દ્રઢ બળે છેદી નાખ, મારા પ્રભુ !

 .

સંસારમાં તેં મને જે ઘરમાં રાખ્યો છે તે ઘરમાં

બધાં દુ:ખ ભૂલીને હું રહીશ.

 .

કરુણા કરીને તારે પોતાને હાથે તેનું એક બારણું

નિશદિન ખુલ્લું રાખજે.

 .

મારાં બધાં કાર્યોમાં અને બધી ફુરસદમાં

એ દ્વાર તારા પ્રવેશ માટે રહેશે.

તેમાંથી, તારા ચરણની રજ લઈને વાયુ મારા હૃદય પર વાશે

એ દ્વાર ખોલીને તું આ ઘરમાં આવશે

હું એ બારણું ખોલીને બહાર નીકળીશ.

.

બીજાં કોઈ સુખ હું પામું કે ન પામું, પણ આ એક સુખ

તું માત્ર મારે માટે રાખજે.

એ સુખ કેવળ મારું અને તારું હશે, પ્રભુ !

એ સુખ પર તું જાગ્રત રહેજે.

બીજું કોઈ સુખ તેને ઢાંકી ન દે

સંસાર તેમાં ધૂળ ન નાખે

બધા કોલાહલમાંથી એને ઊંચકી લઈને

તું એને જતન કરી તારા ખોળામાં ઢાંકી રાખજે.

બીજાં બધાં સુખો વડે ભલે ભિક્ષાઝોળી ભરાય

એ એક સુખ તું મારે માટે રાખજે.

 .

બીજા બધા વિશ્વાસ ભલે ભાંગી પડે, સ્વામી!

એક વિશ્વાસ સદા ચિત્તમાં જોડાયેલો રહેજો.

 .

જ્યારે પણ જે અગ્નિદાહ હું સહન કરું

તે મારા હૃદયમાં તારું નામ અંકિત કરી દેજો.

 .

દુ:ખ જ્યારે મર્મની અંદર પ્રવેશે

ત્યારે તે તારા હસ્તાક્ષર લઈને આવે

કઠોર વચન ગમે તેટલા આઘાત કરે

સર્વ આઘાતોમાં તારો સૂર જાગી ઊઠે.

 .

પ્રાણના સેંકડો વિશ્વાસ જ્યારે તૂટી જાય

ત્યારે એક વિશ્વાસમાં મન વળગેલું રહે.

 .

( રવીન્દ્રનાથ ટાગોર )

4 thoughts on “તારી કને – રવીન્દ્રનાથ ટાગોર

  1. હિનાબેન,

    તમો ખૂબજ ઉત્તમ રચાનો પસંદ કરી અને લોગ પોસ્ટ પર મૂકવા સદા કોશીશ કરો છો કે જે દ્વારા સમાજને ખૂબજ ઉત્તમ, મૂલ્યવાન સંસ્કારો નું સિચન થાય તેમજ જીવન જીવાવાનું બળ અને ઉત્સાહ મળે તેવી સુંદર રચના, અને પ્રાર્થાઓ નો સદા અમોને લાભ મળ્યો છે… અતિ ઉત્તમ પ્રાર્થાના માણી આજે.

    ધન્યવાદ….!

  2. હું અશોકકુમાર સાથે સંમત છું કે આપ સુંદર રચનાઓ લઈ આવો છો. રવિન્દ્રનાથ ટાગોરે સુંદર પ્રાર્થનાઓ આપી છે. જો અનુવાદકનું નામ પણ જણાવ્યું હોત તો સારું.

  3. આદરસહ હિનાબેન
    તમારી આ રચના સારા ય માનવજીવ ને આત્મબળ આપે છૅ

Leave a Reply to ભરત કોટડીયા Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.