છપ્પનભોગ – મુકેશ જોષી

.

બ્હાર કાળા પાટિયે લખ્યું સ તે હાચુ ?

તમે જાતે લખ્યું સ ક…

કોક પાહે લખાયુ સ

તમે લખ્યું વોય તો મું પાસો જૈન વાંચું

લખ્યું સ તે છપ્પનભોગ તમે ખાવાના !

ભૂખબહુ લાગી સ ક

શોખ સ બતાવાના ?

મન એમ થાય સ ક

ભગવોન થઈને ય આટલા જો ભૂખ્યા હોય

તો અમે – તો સોકરાં તમારોં

અન એક વાત કઉં ?

દર્શન કરવાને કાજ મું તો આયો નથી

નિહાળે બોલાવે એવી પ્રાર્થનાઓ લાયો નથી

આ તો ખાવાનું જોવાને બહાને તમને મેં જોયા સ

આમ જુઓ તો મારા બાપા જેવા લાગો સો

તમે તો ભગવોન… ખાઓ સો પકવોન

મારા બાપા તીસ છાપ યેવલા બીડી પીવે

બીડીના ધુમાડાથી પેટ ભરે, હાફે ને

મોટી મોટી ઉધરસ વચ્ચે થોડું થોડું જીવે

પેટનો અગ્નિ બુઝાવવા મોઢામાં અગ્નિ મૂકે

હાંભળ્યું સ અમ્બેરિકા દેશ બહુ સુખી સ

તો ઈયોના ભગવોન ચ્ય્મ છપ્પનભોગ ખાતા નથી

ને તમે રોજ રોજ ખાવ તો ચ્યમ ધરાતા નથી

ખાઓ ઈનો વાંધો નહીં

પણ

પાટિયામાં લખી લખી જાહેરાત કરો સો

હું કરવાને ગરીબોના નિસાસાઓ ભરો સો

છોંનામોંના ખાતા હો તો !

કોક જુએ ઈ રીત જો એની હામે ખાઈએ

બીજું બધું ઠીક પણ ખાઉધરા કહેવાઈએ

ને કોઈ પછી આપણને જમવા બોલાવે નહીં

ન ઉપરથી બધાંની નજર હારી હોય નહીં

કો’કની ભૂંડી નજર લાગે તો હું કરીએ ?

માવડી એટલે જ કે સ ક છાનુંમાનું ખાઈએ

પેલા મંગળવારે મન ભૂખ બહુ લાગી’તી

માવડી પાહે ખાવા હારુ કોઈ વસ્તુ માગી’તી

માવડીએ જાદુ કર્યો… એવો તો જાદુ કર્યો

એક નવી વારતા

લાંબી લાંબી વારતા

ધીમે ધીમે કહેતી જાય… ભૂખ ઓછી થતી જાય

વચ્ચે વચ્ચે પવાલું ભરીને પાણી પિવડાવે

ચાર ગ્લાસ પાણી પીતાં એવી સરસ ઊંઘ આવે

માડી પાસી યાદ આવી

લ્યો આંખો જરા લૂછી લઉ

ખોટું ન લાગે તો બોલો

વાત એક પૂછી લઉં !

આ તમે બધું ખાવાના કે થોડું બાકી રાખશો ?

ખાધા પછી મઝા પડે એવી વસ્તુ ચાખશો ?

ખાવાનું પચી જ જાય એવી જડીબુટ્ટી લાયો સું

બીજું તો શું ? ખિસ્સામાં હું જીરાગોળી લાયો સુ

છપ્પન છપ્પન ભોગ ખાઈ જીરાગોળી  ખાઈ લેજો

બહુ તકલીફ થાય તો નદીએ જઈને ન્હાઈ લેજો

આખરી વિનંતી મારી આટલી જો સાંભળો

દેખતાં બધાંના હવે કોઈ દિ’ ખાતા નહીં

માવડીની વાત માનવામાં તમારું શું જાય ?

કોઈની નજર લાગે તો ખાધેલુંય ટકે નહીં

અને તમે જો માંદા પડો તો અમારું શું થાય ?

ને કોક દિ’ય

મંદિરેથી થાકો તો સંદેશો કેવડાવજો

છાશ-રોટલોજો ખાવાં વોય તો

ગોમને છેવાડે મારું ઘર સ તે આવજો

સાથે બેસી માવડીના હાથે ખૂબ ખૂબ ખાશું

પણ ભૂલ્યા વિના મારા માટે જીરાગોળી લાવજો.

 .

( મુકેશ જોષી )

Share this

8 replies on “છપ્પનભોગ – મુકેશ જોષી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.