લાગણી – લાભશંકર ઠાકર

.

લાગણીને પાણીમાં પલાળીને ફણગાવી શકાય

લાગણીને વાટી શકાય

ચીરી શકાય

નીચોવી શકાય

લાગણીને કચડી-મચડી તોડી શકાય.

લાગણીને વાવી શકાય ને વેચી શકાય.

લાગણીને ગટરમાં પધરાવી શકાય.

ને બાળી પણ શકાય.

લાગણીનું બધું જ થઈ શકે

એનું કાવ્ય બનાવીને કાન પર લગાડી શકાય

ને બામ બનાવીને કપાળ પર લગાડી શકાય.

એનો જામ બનાવીને દારુ ભરી શકાય.

ને રામ બનાવીને દામ પામી શકાય.

ને પાન બનાવીને ચાવી શકાય.

એ ધીરજ પણ છે અને ધતિંગ પણ છે

એ આખી પણ છે અને રાખી પણ છે

એ ખાલી પણ છે અને ખખડે પણ છે

એનો હાથ લંબાય તો હિમાલય જડકાય બથોબથ

અને ઓગળવા માંડે ઉષ્માથી-

અને આંખ તરડાય તો…બાંગ્લાદેશ

એ વેશ કાઢે વિચિત્ર મનની લકડિયા રંગભૂમિ પર ઠિચુકઠંગ

એ અડે તો ફૂલની જેમ ને પડે તો ઊલ્કાની જેમ-

એમ લાગે જાણે આપણા હાથમાં પીંછી

ને તેમ લાગે જાણે સાથળ પર વીંછી-

ને રુંવે રુંવે એના ઝેરથી બળું બળું થયાંના સ્મરણ…

ને આમને આમ લાગણીની લપછીપમાં આવવાનાં મરણ.

અરેરે

આપણે પાણીમાં પલડીને ફણગવું નથી, ચીરાવું નથી, નીચોવાવું નથી

નથી આપણે કચડાવું કે નથી આપણે મચડાવું

આપણે વવાવું પણ નથી ને વેચાવું પણ નથી.

અને છતાં ભરબજારમાં બેઠા છીએ હારબંધ વેચાવા માટે

લાગણીનું કૂંડું બનીને-

થાય છે ગબડી જઈએ, તૂટી જઈએ, ફૂટી જઈએ-

પણ કોણ ધક્કો મારે ?

અંદર જે છે તેને તો હાથ જ નથી, પગ જ નથી,

કોણ ધક્કો મારે-

અને ગબડી જઈએ ?

 .

( લાભશંકર ઠાકર )

Share this

10 replies on “લાગણી – લાભશંકર ઠાકર”

  1. આવી કવિતા કવિતા કોને કહેવાય તે અંગેની ઘણી ગેરસમજ દૂર કરવા માટે પણ વાંચવી -ને માણવી જોઇયે.

  2. આવી કવિતા કવિતા કોને કહેવાય તે અંગેની ઘણી ગેરસમજ દૂર કરવા માટે પણ વાંચવી -ને માણવી જોઇયે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.