કશું નકામું નથી – રઈશ મનીઆર

.

અરણ્ય, પંથ કે નડતર કશું નકામું નથી

રતન કે ધૂળ કે કંકર કશું નકામું નથી

 .

પડાવ, થાક, ત્રિભેટો, ભુલામણી ઠોકર

સફરના અંશ છે, આખર કશું નકામું નથી

 .

એ બેઉ વિશ્વોની લીલાને મનભરી માણો

અહીં બહાર કે અંદર, કશું નકામું નથી

 .

કોઈનું થાય છે ઘડતર, કોઈ રહે પડતર

અહીંના શિલ્પ કે પથ્થર, કશું નકામું નથી

 .

ફરજ જુઓ ન ગૂંથાવા અને ચૂંથાવામાં

સ્વીકારો પુષ્પ કે અત્તર, કશું નકામું નથી

 .

કદીક મન થશે અણનમ સરોને ઝુકવાનું

આ પથ્થરો અને ઈશ્વર, કશું નકામું નથી

 .

ભલે ને હમણાં કશું વ્યર્થ લાગતું હો તને

એ ધરશે અર્થ નિરંતર, કશું નકામું નથી

.

( રઈશ મનીઆર )

2 thoughts on “કશું નકામું નથી – રઈશ મનીઆર

  1. રઈશભાઈની ખૂબ સુંદર રચના! ખરેખર, કશું જ નકામું નથી. ઘાયલ સાહેબનો એક શેર યાદ આવી જાય છે.

    તને પીતાં નથી આવડતું મૂર્ખ મન મારા
    પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.